ડાંગ વન વિભાગ અને પોલીસનું સંયુક્ત કોમ્બિંગ ઓપરેશન તારીખ: ૧૯/૦૨/૨૦૨૬ સ્થળ: આહવા, ડાંગ ડાંગના ગાઢ જંગલોમાં રાત્રિ દરમિયાન દરોડા: સાગના લાકડા અને XUV ગાડી સહિત રૂ. ૩.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત
શિવાજી કંવર આહવા બ્યુરો-યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ.

ડાંગ: ડાંગ વન વિભાગ અને ડાંગ જિલ્લા પોલીસ એલ.સી.બી. (LCB) ટીમ દ્વારા ગત રાત્રિએ એક સંયુક્ત ‘કોમ્બિંગ ઓપરેશન’ હાથ ધરી લાકડા ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન સાગના લાકડાના ચોરટાઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા, પરંતુ વન વિભાગ અને પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ઘટનાની વિગત:
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ (IPS) દ્વારા અગાઉ વનકર્મીની થયેલી હત્યાના ગંભીર બનાવને ધ્યાને રાખી લાકડાચોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી પૂજા યાદવ, નાયબ વન સંરક્ષક (ઉત્તર ડાંગ) શ્રી એમ.એલ. મીના અને મદદનીશ વન સંરક્ષક શ્રી આર.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી.
ચિકટીયા બીટના કુંભીપાડા ફળિયા પાસે ગાઢ જંગલમાં શંકાસ્પદ હિલચાલની બાતમી મળતા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર (આહવા પશ્ચિમ) શ્રી વિનય પી. પવાર, આર.એફ.ઓ. (આહવા પૂર્વ) શ્રી હાર્દિકભાઈ ચૌધરી અને એલ.સી.બી. પીએસઆઈ શ્રી જે.જી. અનડકટની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
મુદ્દામાલની વિગત:
તપાસ દરમિયાન ગાડીના દરવાજા બંધ થવાનો અવાજ આવતા ટીમે તે દિશામાં ધસી ગઈ હતી. પોલીસ અને ફોરેસ્ટ ટીમને જોઈ લાકડાચોરો ગાડી મૂકી ઝાડીઓમાં ભાગી છૂટ્યા હતા. સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો છે:
સાગના લાકડા (૦૯ નંગ): અંદાજિત કિંમત રૂ. ૫૯,૭૫૦/-
મહિન્દ્રા XUV 500 ગાડી: અંદાજિત કિંમત રૂ. ૨,૭૦,૦૦૦/-
કુલ મુદ્દામાલ: રૂ. ૩,૨૯,૭૫૦/-
કડક કાર્યવાહીના સંકેત:
વન વિભાગ અને પોલીસ દ્વારા હાલમાં આ લાકડા ક્યાંથી કપાતા હતા અને તેના મુખ્ય સૂત્રધારો કોણ છે તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કોશીમપાતળ અને ધોધલપાડા વિસ્તારમાંથી રૂ. ૭.૬૦ લાખનો ગેરકાયદેસર જથ્થો અને મશીનરી જપ્ત કરવામાં આવી હતી.
આગામી સમયમાં પણ જંગલની સંપત્તિની ચોરી રોકવા માટે પોલીસ અને વન વિભાગનું આ સંયુક્ત અભિયાન સતત ચાલુ રહેશે તેવી કડક ચેતવણી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.



