ગુજરાત

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના

બનાસકાંઠા જિલ્લાના ડીસાના ઢૂંવા રોડ પર આવેલી ગેરકાયદે ચાલતા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટની ઘટના બાદ 21 લોકોનાં મોત થયા છે.

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ડીસાના ઢૂંવા રોડ પર આવેલી ગેરકાયદે ચાલતા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટની ઘટના બાદ 21 લોકોનાં મોત થયા છે.  21 શ્રમિકોના મોતને લઈ હાહાકાર મચી ગયો છે. ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે અનેક શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. 18 શ્રમિકો બાદ વધુ 3 શ્રમિકોના મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે.  હાલ તો સમગ્ર ઘટનાને લઈ SITની રચના કરવામાં આવી છે.

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટમાં SITની રચના 

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટમાં SITની રચના કરવામાં આવી છે. જેમાં ડીવાયએસપીની આગેવાનીમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સામેલ કરાયા છે. ડીવાયએસપી સી.એલ. સોલંકી, પીઆઈ વી.જી.પ્રજાપતિ, પીઆઈ એ.જી. રબારી, પીએસઆઈ એસ.બી. રાજગોર અને પીએસઆઈ એન.વી. રહેવારને SITમાં સામેલ કરાયા છે.

મૃતદેહ ઓળખવા મુશ્કેલ

હાલમાં મળતા અપડેટ પ્રમાણે, ડીસાની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 21 મૃતદેહો લવાયા છે, આગમાં સળગી જવાના કારણે તમામ મૃતદેહો બળીને ખાખ, કોલસા જેવા થઇ ગયા છે જેના કારણે પોસ્ટમોર્ટમ કરવું અને મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે ગૉડાઉનમાં 23 લોકો હોવાની વાત પણ સામે આવી છે. ડીસા ફટાકડા ફેક્ટરીના ગૉડાઉનનો નફ્ફટ માલિક ફરાર દીપક ખુબચંદનો હજુ સુધી કોઇ અત્તોપત્તો નથી. આગ લાગ્યા બાદ તે ફરાર થઇ ગયો હતો. ફટાકડાની ફેક્ટરી પર નિરીક્ષણમાં બેદરકારી દાખવનારો અધિકારી સામે તપાસ કરવાની પણ માંગ ઉઠી છે.

આગ કેવી રીતે લાગી ? 

મળતી માહિતી મુજબ આ ફેક્ટરીમાં રાખેલા એક બોઇલરમાં વિસ્ફોટ થયો હતો. જેને પગલે ફેક્ટરી આગની લપેટમાં આવી હતી. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીની દિવાલ પણ ધરાશાયી થવા પામી છે. અહીં મુદ્દો એ છે કે, ફટાકડાની ફેક્ટરીમાં બોઇલર કેમ રાખ્યું હતું.

વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આરસીસી સ્લેબ તૂટી પડ્યો 

બનાસકાંઠા જિલ્લા કલેકટરે વાત કરતાં જણાવ્યું કે, આજે સવારે અંદાજે પોણા દસ વાગ્યાના અરસામાં ડીસાના ઢૂવામાં એક પ્રચંડ વિસ્ફોટ થયાના સમાચાર મળ્યા તો તરત જ ફાયર ફાઇટર ટીમને રવાના કરી એમણે આગને કાબુમાં લીધી હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ફેક્ટરીનો આરસીસી સ્લેબ તૂટી નીચે પડી ગયો હતો. નીચે કોઇ દટાયેલું છે કે એ માટે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!