પ્રથમ ઓપીનીયન પોલ : પશ્ચિમ બંગાળમાં મમતા સતત ચોથી વખત જીતશે : તામિલનાડુમાં AIADMKની મદદથી NDA સતા મેળવશે
નવી દિલ્હી તા.S.S.

ચુંટણી જાહેરાત સાથે જ ઓપીનીયન પોલની સીઝન ખુલ્લી : કેરળમાં ડાબેરી મોરચો સતા જાળવી રાખશે : આસામમાં ભાજપ હેટ્રીક મારશે..
નવી દિલ્હી તા.16
પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીઓ જાહેર થતા જ પહેલો ઓપીનીયન પોલ આવી ગયો છે અને તેમાં અનેક રસપ્રદ તારણો જોવા મળ્યા છે. સૌથી મહત્વનું માર્ટીઝ-આઈએએનએસ દ્વારા જાહેર કરવામાં આવેલા આ પોલમાં ભાજપને માટે પશ્ચિમ બંગાળ હજુ દુર જ રહી જાય તેવા સંકેત છે.
જયારે તામિલનાડુમાં તેને આશ્ચર્યજનક રીતે સફળતા મળશે તેવું જણાવાયું છે.ચુંટણીપંચે જયારે સમગ્ર શેડયુલ જાહેર કરી દીધુ છે તે સમયે આવેલા ઓપીનીયન પોલ અત્યંત રસપ્રદ સંકેત આપે છે. પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા બેઠકમાં મુખ્ય જંગ તૃણમુલ કોંગ્રેસ અને ભાજપનો છે.
તેમાં મળતા સંકેતો મુજબ તૃણમુલ કોંગ્રેસની બેઠકો ઘટશે. પરંતુ તે પોતાની સતા જાળવી રાખશે. મમતા બેનરજીના પક્ષને 43 થી 45 ટકા મત શેર સાથે 155 થી 170 બેઠકો મળશે તેવો અંદાજ આ ઓપીનીયન પોલમાં અપાયો છે.
જયારે ભાજપને 41થી43 ટકા મત સાથે 100 થી 115 બેઠક મળશે. આમ મમતા બેનરજી સતત ચોથી વખત સતા જાળવી રાખશે. આ રાજયમાં અસદુદીન ઔવેસીના પક્ષ એઆઈએમઆઈએમને પાંચ થી છ બેઠકો મળે તેવા સંકેત છે. આમ બિહાર બાદ વધુ એક રાજયમાં ઔવેસીનો ગ્રાફ ઉંચો જશે.
આસામમાં ભાજપ સતત ત્રીજી વખત સતા મેળવશે તેવા સંકેત છે. 126 બેઠકોની વિધાનસભામાં ભાજપને 96 થી 98 બેઠક કોંગ્રેસને 26થી28 બેઠક અને અન્યને બે થી આઠ બેઠકો મળે તેવો સંકેત આ ઓપીનીયન પોલમાં અપાયો છે. પરંતુ સૌથી રસપ્રદ રીતે તામિલનાડુમાં જબરો ઉલટફેર જોવા મળી રહ્યો છે. ઓપીનીયન પોલ મુજબ અહી એનડીએ અને ડીએમકેની સીધી ટકકર છે.
એઆઈએડીએમકેના નેતૃત્વમાં ભાજપ તામિલનાડુમાં ચુંટણી લડશે જેમાં તેને 114 થી 127 બેઠક, ડીએમકેને 104 થી 114 બેઠક જયારે ફિલ્મ અભિનેતા વિજયના નેતૃત્વના ટીવીકેને છ થી બાર બેઠક મળશે તેવું ઓપીનીયન પોલ જણાવે છે.
આ જ રીતે કેરળમાં ડાબેરી ગઠબંધન એલડીએફ અને કોંગ્રેસના ગઠબંધન યુડીએફ વચ્ચે સીધી ટકકર છે.જેમાં રાજયમાં સતાપલ્ટો કરવામાં કોંગ્રેસને સફળતા નહી મળે અને એલડીએફને 61થી71 બેઠકો કોંગ્રેસ નેતૃત્વના યુડીએફને 58 થી 69 અને ભાજપને વધુમાં વધુ બે બેઠકો મળી શકે છે.



