અમદાવાદ

ગુજરાત ચૂંટણી : 26 એપ્રિલના મતદાન, 28ના મતગણતરી : આચાર સંહિતા લાગુ

અમદાવાદ- S.S

રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીક્રિષ્નાએ કરી 9992 બેઠકો માટેની જાહેરાત : નવા OBC અનામત સાથે પ્રથમ વખત યોજાશે મોટી ચૂંટણી : રાજ્યમાં કુલ 4.18 કરોડ મતદારો
ગાંધીનગર : ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત મુજબ, 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 9992 બેઠકો માટે આગામી 26 એપ્રિલના રોજ EVM થી મતદાન યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી થશે.

આ જાહેરાતની સાથે જ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. નવી OBC અનામત લાગુ થયા બાદ આ પહેલી મોટી ચૂંટણી છે, જેમાં અંદાજિત 4 કરોડ 18 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ :
► 6 એપ્રિલ: ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે અને ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે
► 11 એપ્રિલ: ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
► 13 એપ્રિલ: ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે
► 15 એપ્રિલ: ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ
► 26 એપ્રિલ: સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે
► 27 એપ્રિલ: જો કોઈ કારણસર જરૂર પડે તો પુનઃ મતદાન (રી-પોલિંગ) થશે
► 28 એપ્રિલ: તમામ બેઠકો માટે મતગણતરી અને પરિણામ

ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ સમગ્ર પ્રક્રિયા 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

ક્યાં કેટલી બેઠકો પર જામશે ચૂંટણી જંગ :
♦ આ વખતે સમગ્ર રાજ્યમાં કુલ 9992 બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતરશે.
♦ મહાનગરપાલિકા (મનપા): જૂનાગઢ અને ગાંધીનગર સિવાયની 15 મનપાની કુલ 1044 બેઠકો પર ચૂંટણી યોજાશે.
♦ નગરપાલિકા: 7 નવી નગરપાલિકાઓના ઉમેરા સાથે કુલ 84 નગરપાલિકાની 2624 બેઠકો માટે મતદાન થશે.
♦ જિલ્લા પંચાયત: 34 જિલ્લા પંચાયતની 1090 બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં 24 જિલ્લા પંચાયતોની હદમાં (સીમાંકનમાં) ફેરફાર કરાયો છે, જ્યારે 9 માં કોઈ ફેરફાર થયો નથી.
♦ તાલુકા પંચાયત: 260 તાલુકા પંચાયતની 5234 બેઠકો પર ચૂંટણી યોજાશે. 109 તાલુકા પંચાયતમાં માત્ર રોટેશન સિવાય કોઈ ફેરફાર નથી કરાયો, પણ 53 તાલુકા પંચાયતોના સીમાંકન બદલવામાં આવ્યા છે.

મતદારોના આંકડાકીય સમીકરણો
◙ આ ચૂંટણી 17 ફેબ્રુઆરીની ડ્રાફ્ટ યાદી અને SIR ની નવી ડ્રાફ્ટ યાદી મુજબ યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચના ડેટા પ્રમાણે:
◙ રાજ્યમાં નોંધાયેલા કુલ 4 કરોડ 40 લાખ મતદારોમાંથી 4 કરોડ 18 લાખ 87 હજાર મતદારો મતદાન કરવા માટે સત્તાવાર રીતે લાયક છે.
◙ કુલ મતદારોમાં 2 કરોડ 16 લાખ પુરુષો અને 2 કરોડ 2 લાખ મહિલા મતદારો છે.

જો વિસ્તાર પ્રમાણે જોઈએ તો, મનપા વિસ્તારોમાં 1.10 કરોડ, નગરપાલિકા વિસ્તારોમાં 33.66 લાખ અને તાલુકા-જિલ્લા પંચાયતના વિસ્તારોમાં 2.75 કરોડ મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે.

26 એપ્રિલે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે :
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓ માટે એક જ દિવસે 26મી એપ્રિલને રવિવારે મતદાન યોજાશે. મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરુર પડે તો 27 એપ્રિલે યોજાશે. 28મી એપ્રિલે તમામ સંસ્થાઓની મતગણતરી અને પરિણામ જાહેર કરાશે.

ચૂંટણી હેઠળની મહાનગરપાલિકાનું નામ :
અમદાવાદ , મહેસાણા, કરમસદ આણંદ, મોરબી, ગાંધીધામ, રાજકોટ, નડીયાદ, વડોદરા, જામનગર, વાપી, નવસારી, સુરત, પોરબંદર, સુરેન્દ્રનગર, ભાવનગર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!