તાપી

દેશભક્તિના રંગમાં રંગાયો તાપી જીલ્લો: ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો તાપીવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ

માહિતી બ્યુરો, તાપી & યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ તાપી

વ્યારા બન્યું તિરંગામય; નાગરિકોએ ગર્વભેર તિરંગો લહેરાવી દેશની અખંડિતતા માટેની અતૂટ ભાવના વ્યક્ત કરી
*
રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને ઉનાઈ નાકાથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

એક કિલોમીટર લાંબા રાષ્ટ્રધ્વજે નગરજનોમાં આકર્ષણ જમાવ્યું

“હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ” અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આવી વિવિધ ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યારા ખાતે ભવ્ય તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી હતી. આ યાત્રા થકી ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વછતા કે સંગ’ ના સંદેશ સાથે તાપીવાસીઓ અને દેશના નાગરિકો પ્રત્યે દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવના ભાવના ઉજાગર થઈ હતી. જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સો અને તિરંગાના માન-સન્માન સાથે વ્યારા શહેરના માર્ગો પર છવાઈ ગઈ હતી. આ કાર્યક્રમમાં અંદાજિત ૨૫ હજારથી વધુ તાપીવાસીઓ ઉમંગભેર જોડાઈને દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વ્યારા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં હજારો નાગરિકો સ્વયંભૂ આ યાત્રામાં જોડાયા હતા.

આ યાત્રામાં જિલ્લા સમાહર્તા શ્રી ડો. વિપિન ગર્ગ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, મોહનભાઈ કોંકણી, ધારાસભ્ય શ્રી ડો.જયરામભાઈ ગામીત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, પ્રો. એડમિનિસ્ટ્રેટર શ્રી જયંત રાઠોડ અને નિવાસી અધિક કલેક્ટર શ્રી આર આર બોરડ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. તાપી જિલ્લાના નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓએ અદભૂત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી.
આ યાત્રા ઉનાઈ નાકાથી પ્રસ્થાન કરી અંબાજી મંદિર, સ્વામીનારાયણ મંદિર, જુના બસ સ્ટેન્ડ, સયાજી મેદાન, ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પમ્પ અને ખાતે સંપન્ન થઈ હતી. આ તિરંગા યાત્રામાં જિલ્લાના પોલીસ જવાનો, જીઆરડી જવાનો, પ્લાટુન, અશ્વ દળ, બાઈકર્સ, જિલ્લાના અગ્રગણ્ય નાગરિકો, વિદ્યાર્થીઓ ઉપરાંત, મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રામાં એક કિલોમીટર લાંબા ભારતીય ધ્વજને સેંકડો લોકોએ ખૂબ જ માન પૂર્વક રેલીમાં રજૂ કર્યો હતો. બાઇકર્સ પોલીસ ટુકડીએ યાત્રાની આગેવાની કરી હતી. મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને નગરજનો હાથમાં તિરંગો લઈને જોમ જુસ્સાથી જોડાયા હતા. ‘સબ સે પ્યારા તિરંગા હમારા’ની ભાવના વ્યક્ત કરી સૌ ઉપસ્થિતોએ ગર્વભેર તિરંગો લહેરાવી, ‘વંદે માતરમ્’, ‘ભારત માતા કી જય’ સહિત દેશભક્તિના નારા લગાવ્યા હતા સાથે નિવૃત લશ્કરના જવાનોએ સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.શાળાના બાળકો દેશભક્તિને અનુરૂપ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા. યાત્રાને નિરખવા માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા. યાત્રાના રૂટમાં ફુલોની પાંખડીઓ દ્વારા અભિવાદન કર્યું હતું.આ તિરંગા યાત્રામાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!