
વડાપ્રધાનનાં આગમન પૂર્વે મેઘ પધરામણીથી વહિવટી તંત્ર ઉંધા માથે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજથી બે દિવસ ગુજરાતમાં
અમદાવાદ – ગાંધીનગર – મહેસાણામાં કુલ 5477 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમુહુર્ત કરશે
એરપોર્ટથી નિકોલ – ખોડલધામ સુધીનો રોડ – શો : રાજભવનમાં રાત્રી રોકાણ : કાલે સુઝુકીના ઈવી બેટરી પ્લાન્ટનું ઉદઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોર બાદ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. ત્રણથી વધુ કાર્યક્રમમાં હાજર રહીને 5400 કરોડથી વધુના પ્રોજેકટોનું ઉદઘાટન-ખાતમુહુર્ત કરશે.વડાપ્રધાનનાં આગમન વખતે જ વરસાદી માહોલને કારણે વહીવટીતંત્ર ઉંધા માથે થયુ છે.
વડાપ્રધાન મોદી આજે બપોરે ચાર વાગ્યા બાદ અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી નિકોલ સુધી દોઢ કિલોમીટરનો રોડ-શો રાખવામાં આવ્યો છે. આ રૂટને શણગારવામાં આવ્યો છે. જયાં હજારો લોકો લોકલાડીલા નેતાને આવકારશે.
નિકોલ-ખોડલધામ સુધીના આ રોડ-શો માટે રૂટ પર સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ખાસ સ્ટેજ શો તૈયાર કરવામાં આવ્યા છે. નિકોલમાં જ વડાપ્રધાનની જાહેરસભા પણ યોજાશે તેમાં હજારો લોકો હાજરી આપશે.
આવતીકાલે મહેસાણાના હાંસલપુરમાં સુઝુકી મોટર્સનાં ઈવી (ઈલેકટ્રીક વ્હીકલ)ના બેટરી પ્લાન્ટનું ઉદઘાટન કરો.તેઓ કાલે બપોર સુધી ગુજરાતમાં રોકાણ કરશે.
વડાપ્રધાનની બે દિવસની ગુજરાત મુલાકાતને પગલે લોખંડી સુરક્ષા પહેરો ગોઠવવામાં આવ્યો છે. ખાસ સુરક્ષા એકશન પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે. આ સિવાય આજ સવારથી મેઘરાજાના આગમન સાથે વરસાદી માહોલ છવાયો હોવાના કારણોસર પણ વહીવટી તંત્ર ઉંધા માથે થયુ છે.
બે દિવસના આ ગુજરાત પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન મોદી અમદાવાદ, ગાંધીનગર તથા મહેસાણાનાં કાર્યક્રમમાં કુલ 5477 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહુર્ત કરશે.