ડાંગ જિલ્લાની સરકારી વિનયન કોલેજ, સુબીરમાં કોલેજ પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો
ડાંગ માહિતી બ્યુરો & યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ ડાંગ

આહવા: તા: ૦૮: રાજ્યમાં છેવાડાના વિદ્યાર્થીઓ શિક્ષણ થી વંચિત ના રહી જાય તેમજ ગ્રામ્ય
વિસ્તારના વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવતા થાય તેવા શુભ આશયથી રાજ્યની ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા
તાજેતરમાં જ ડાંગ જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલ સુબીર તાલુકામાં સુબીર ખાતે સરકારી વિનયન કોલેજ, સુબીરનો
પ્રારંભ કર્યો છે. ત્યારે આજરોજ સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લતાબેન કનવારેના અધ્યક્ષ સ્થાને આ કોલેજમાં સૌ પ્રથમ
વાર નામાકંન થયેલ વિદ્યાર્થીઓ માટે કોલેજ પ્રવેશોત્સવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.સુબીર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુબીર ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ શ્રી સોમનાથભાઈ કાગડે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને ઉચ્ચ પદવી મેળવી કોલેજનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ ગામના ભુતપૂર્વ પોલીસ પટેલ શ્રી રાજુભાઇ ગાવિતે પણ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી તાલુકા તેમજ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે કોલેજની મંજુરી આપી કોલેજ શરૂ કરવા બદલ, સરકારી વિનયન અને વાણિજ્ય
કોલેજના આચાર્યશ્રી ડો. યુ.કે.ગાંગુર્ડેએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કોલેજના IGAC કો.ઓર્ડિનેટર પ્રાદ્યાપક શ્રી પી.એમ.ઠાકરે દ્વારા મહેમાનોનું સ્વાગત પરિચય કરી, કોલેજની માહિતી તથા સહ
અભ્યાસ પ્રવૃતિ દ્વારા વિદ્યાર્થીઓમાં કયા ગુણો વિકસી શકે તેની માહિતી આપી હતી. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, બહેનો
પણ હવે સરળતાથી ધર આંગણે ઉચ્ચ અભ્યાસ મેળવી શકશે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના અધ્યાપકો સર્વે શ્રી દિલિપભાઈ ગાવિત, શ્રી
ઉમેશભાઈ હડસ, શ્રી વિનોદભાઈ ગવળી, શ્રી ગૌરાંગભાઈ ગાઈન ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આહવા કોલેજના પ્રાદ્યાપક શ્રીમતી ભગીનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સુબીર
કોલેજના મુખ્ય પ્રાદ્યાપક શ્રીમતી હેતલબેને આભારવિધી આટોપી હતી.ઉલ્લેખનીય છે કે, સુબીરમાં પહેલા માત્ર એક પ્રાથમિક શાળા હતી પરંતુ આજે માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજ પણ આવેલ છે. ત્યારે એસ્પિરેશનલ બ્લોક તરીકે ગણાંતા સુબીર તાલુકામાં આજે ઘર આંગણે જ વિદ્યાર્થીઓને પ્રાથમિક થી ઉચ્ચ અભ્યાસ સ્નાતક સુધીનું શિક્ષણ મળી રહેશે.