ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ચોમાસુ સત્રનો પ્રારંભ : આજે બીજો દિવસ
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ ગાંધીનગર

ગુજરાતમાં ત્રણ દિવસના વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે અને આ વર્ષના અંત પુર્વે યોજાનારી રાજયની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી પુર્વેના આ સત્રમાં રાજકીય ગરમી જોવા મળશે.
ખાસ કરીને વિસાવદરમાં આમ આદમી પાર્ટીના વિજય અને આક્રમક ગણાતા તેના ગોપાલ ઈટાલીયાની વિધાનસભામાં એન્ટ્રીનો ફર્ક ગણાશે. જો કે `આપ’ના બે ધારાસભ્યો રીસાયેલા છે તે પણ ગૃહમાં જોવા મળે તો આશ્ચર્ય થશે નહી.
સતાવાર સરકારી કામકાજમાં ગૃહમાં ત્રણ દિવસની બેઠકમાં પાંચ અલગ અલગ ખરડાઓ રજુ થશે. જેમાં રાજય સરકારે જે રીતે કામદારો પાસેથી 12 કલાક કામ લઈ શકશે તે વટહુકમ જુલાઈમાં બહાર પાડયો હતો તેને વિધાનસભા મંજુરી માટે રજુ કરાતા સમયે વિરોધ જોવા મળશે. પ્રારંભમાં બે સત્ર વચ્ચે દિવંગત થયેલા વરિષ્ઠ હસ્તીઓને ખાસ શ્રદ્ધાંજલી અપાશે. પણ બાદમા પ્રશ્નકાળથી જ ધાંધલ ધમાલની શકયતા છે.
ખાસ કરીને રાજયના રોડ-રસ્તાઓની હાલત સહિતના મુદાઓ ગૃહમાં ગાજશે તો ગૃહમાં ઓપરેશન સિંદુરની સફળતા અંગે પણ મોદી સરકારને અભિનંદન આપતો ખાસ પ્રસ્તાવ પસાર થશે. આ ઉપરાંત રાજય સરકાર- કામદાર, સ્કીલ- રોજગાર સંબંધી ખરડો રજુ કરશે.
જેમાં ફેકટરી એકટમાં સુધારા ખરડો આવતા આ ઉપરાંત જીએસટી કાઉન્સીલના નિર્ણયોને અનુમોદન આપતો પ્રસ્તાવ પણ રજુ કરાશે. અન્ય ખરડામાં ગુજરાત મેડીકલ પ્રેકટીશનર સુધારા ખરડો ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ એકટ- સુધારા ખરડો પણ રજુ થશે.
વિધાનસભા સંકુલમાં સ્વ.વિજયભાઈ રૂપાણીના તૈલીચિત્રનુ અનાવરણ
રાજકોટઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં આજે રાજયના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના તૈલીચિત્રનું અનાવરણ મુખ્યમંત્રીના હસ્તે થશે. શ્રી રૂપાણીનુ એપ્રિલ માસમાં અમદાવાદ વિમાની દુર્ઘટનામાં દેહાંત થયું હતું. આજે રૂપાણી કુટુંબની હાજરીમાં વિધાનસભા સંકુલમાં સ્વ.રૂપાણીના તૈલીચિત્રનું અનાવરણ કરાશે.