ચોમાસુ સત્રના પ્રારંભે જ ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષના દેખાવોઃ ગૃહમાં પ્રશ્નોત્તરી
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ-ગાંધીનગર

ગુજરાત વિધાનસભાનું સત્ર શરુ થતા જ વિપક્ષે આક્રમક મૂડ દેખાડીને સંકુલમાં સરકાર વિરોધી દેખાવો કર્યા હતાં, જ્યારે પ્રશ્નોત્તરી કાળમાં ધારાસભ્યોના સવાલોના મંત્રીઓએ જવાબ આપ્યા હતાં.
સોમવારે (આઠમી સપ્ટેમ્બર)થી ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસું સત્રનો પ્રારંભ થયો છે. ત્યારે પહેલા દિવસે ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ રાજ્યમાં વરસાદની સ્થિતિ જોતાં ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રદ કર્યો હતો.
ગઈકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિને જોતાં વિધાનસભામાં ઘેરાવનો કાર્યક્રમ રદ કર્યો હતો. જો કે, આજે વિધાનસભાની બહાર કોંગ્રેસ ધારાસભ્યોએ ભ્રષ્ટાચાર સહિત વિવિધ મુદ્દાઓને લઈને હાથમાં પોસ્ટરો રાખી દેખાવો કર્યા હતાં.
મનરેગામાં ભ્રષ્ટાચાર મુદ્દે બચુ ખાબડની ધરપકડની માગ સહિતના મુદ્દે કોંગ્રેસ સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યો હતો તો બીજી તરફ દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી પછી મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી ચૈતર વસાવા જેલમાં બંધ હતા. કોર્ટે ચૈતર વસાવાને વિધાનસભામાં હાજર રહેવા માટે ૩ દિવસના શરતી જામીન મંજૂર કરતાં તેઓ વડોદરા મધ્યસ્થ જેલમાંથી બહાર આવી ગયા છે.
આજથી શરૂ થયેલ વિધાનસભાના ચોમાસું સત્રમાં પોલીસ જાપ્તા સાથે હાજરી આપશે, તેમ જાહેર થયું હતું.
ગુજરાત વિધાનસભા સંકુલ આસપાસ લોખંડી સુરક્ષા ગોઠવાઈ છે. સત્ર દરમિયાન ગાંધીનગર શહેરમાં ૨ એસપી, ૬ ડીવાયએસપી, ૩૦ પોલીસ ઈન્સ્પેક્ટર, ૬૦ પોલીસ સબ ઈન્સ્પેક્ટર તેમજ ૫૦૦થી વધુ પોલીસ સહિત એસઆરપી જવાનો તહેનાત કરાયા છે. એટલું જ નહીં કોઈપણ ઘટના સમયે તાત્કાલિક પહોંચી વળવા ક્વિક રિસ્પોન્સ ટીમ પણ ગોઠવવામાં આવી છે. વિધાનસભા સંકુલ ફરતે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે. વિધાનસભા ઘેરાવને પગલે પાટનગરની કિલ્લેબંધી કરાઈ છે.
બીજી તરફ વિધાનસભા ગૃહની અંદર વિધાનસભાની કાર્યવાહી શાંતિપૂર્વક શરૂ થતાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પવારના પ્રશ્નનો જવાબ મૂળ કોંગ્રેસી એવા રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂતે આપ્યો હતો. તેમણે અધ્યક્ષના સૂચન પ્રમાણે ટૂંકો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણીના પ્રશ્નના જવાબમાં મંત્રી બળવંતસિહએ કહ્યું કે સભ્ય વિદ્વાન છે. વ્યાજે લીધેલ રૂપિયા, સોનું પડાવનારને પરત થવાથી ન્યાય અપાવવાનું કાર્ય કરેલ છે. ૧૬ કરોડની રકમ પરત પહેલા કાર્યક્રમમાં અપાઈ હતી.
“તુજકો તેરા અર્પણ” ના પ્રશ્નના જવાબમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુનેગારને પકડીને સાચા હક્કદાર ને પરત સોંપવાનો કાર્યક્રમનું નામ “તુજકો તેરા અર્પણ” રખાયું છે.
આજે ગૃહમાં બેઠક વ્યવસ્થા જે-તે ધારાસભ્યોના કલરમાં ફોટો ચોંેંટાડવામાં આવ્યો હતો.
આજે વિધાનસભામાં અંગ્રેજી માધ્યમની અમદાવાદની શાળાના બાળકો આવ્યા હતાં. તેથી મહિલા ગેલેરી વિદ્યાર્થીઓથી ભરાઈ ગઈ હતી.