કાલે ભુપેન્દ્ર પટેલ – CR પાટીલની `વિશેષ’ પત્રકાર પરિષદ : રાજકીય ઉત્તેજના
ગાંધીનગર યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ & જિલ્લા બ્યુરો ચીફ

શનિવારની ધારાસભ્યો – જીલ્લા – મહાનગર પ્રમુખોની બેઠક પુર્વે નવી જાહેરાત
કાલે ભુપેન્દ્ર પટેલ – CR પાટીલની `વિશેષ’ પત્રકાર પરિષદ : રાજકીય ઉત્તેજના.
મંત્રીમંડળમાં ફેરફાર- નવા પ્રદેશ પ્રમુખની ચર્ચા વચ્ચે કાલે કોઈ ધડાકા કે પછી રાષ્ટ્રીય `કાર્યક્રમ’ની જાહેરાત થશે! સૌની નજર ગાંધીનગર ભણી
ગુજરાતમાં લાંબા સમયની ચર્ચામાં મંત્રીમંડળમાં ફેરફાર તથા ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નિર્ણયમાં સતત વિલંબ વચ્ચે એકતરફ શનિવારે ભાજપના ધારાસભ્યો-જીલ્લા-મહાનગરોના પ્રમુખોને કમલમમાં `મહત્વ’ની બેઠક માટે ખાસ પહોંચવા તાકીદ કરી છે.
તે પુર્વે જ એક અણધારી જાહેરાતમાં કાલે સવારે કમલમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એક પત્રકાર પરિષદને સંબોધન કરશે. ગુજરાત ભાજપ દ્વારા આ અંગે જારી કરાયેલ એક પ્રેસ યાદીમાં આ પત્રકાર પરિષદને વિશેષ પીસી તરીકે સંબોધવામાં આવી છે.
પ્રથમ વખત આ બંને મહાનુભાવો સંભવતઃ સંયુક્ત પત્રકારપરિષદ સંબોધી રહ્યા છે તેથી કોઈ રાજકીય ધડાકા થશે કે કેમ તેના પર સૌની નજર છે. એક તરફ શનિવારે પક્ષના ધારાસભ્યો અને જીલ્લા તથા મહાનગર પ્રમુખોને ખાસ ગાંધીનગરમાં બેઠક માટે બોલાવાયા છે તે પુર્વે આ પત્રકાર પરિષદની જાહેરાતથી રાજકીય ચર્ચા શરુ થઈ છે.
જો કે અગાઉ પણ આ પ્રકારની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યક્રમની જાહેરાત થઈ હતી અને કાલે પણ તે જ પ્રકારે કોઈ જાહેરાત થાય તેવી શકયતા વધુ છે અને કાલની પત્રકાર પરિષદ બાદ શનિવારની બેઠકમાં તેનું ફોલોઅપ તમામ ધારાસભ્યો અને મંત્રીઓને આપવામાં આવે તેવી શકયતાઓ દર્શાવાઈ
રહી છે.
► `હર ઘર સ્વદેશી’: કાલની પત્રકાર પરિષદ અને શનિવારની બેઠકનો એજન્ડા!
રાજકોટ તા.25
અમેરીકાના ટેરીફ વિવાદ વચ્ચે દેશમાં હવે આત્મનિર્ભર અને સ્વદેશી મુવમેન્ટ માટે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે તેમાં ભાજપ આજે પંડીત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિથી તા.25 ડીસેમ્બર પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મજયંતિના એક માસના સમયગાળામાં દેશભરમાં આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીની ચળવળ ચાલુ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
આજે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંગે દિલ્હીમાં એક પત્રકાર પરીષદમાં આ કાર્યક્રમની જાહેરાત કરી હતી અને હવે આવતીકાલની પત્રકાર પરીષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તે જ જાહેરાત કરે તેવા સંકેત છે. અને શનિવારે ધારાસભ્યોને મહાનગર-જિલ્લા પ્રમુખોની બેઠકોમાં પણ આ અંગે કાર્યક્રમ અપાય તેવી શકયતા નકારાતી નથી.
વર્ષના અંતે યોજાનાર બિહાર ચુંટણી પુર્વે જ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રિય મંત્રીને પટણામાં કેમ્પ કરવા જણાવાયું
► સી.આર.પાટીલને બિહાર ચુંટણીમાં સહપ્રભારી બનાવતો ભાજપઃ પ્રભારી તરીકે ધમેન્દ્ર પ્રધાનઃ પશ્ચિમ બંગાળમાં ભુપેન્દ્ર યાદવ પ્રભારી
જેમનું નામ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ચર્ચામાં હતું જે ધર્મેન્દ્ર પ્રધાન હવે સ્પર્ધામાં નહી હોવાનો સંકેતઃ યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યને પણ ચુંટણીની જવાબદારીઃ તામીલનાડુમાં રાષ્ટ્રીય ઉપપ્રમુખ પાંડા બન્યા પ્રભારી
રાજકોટ તા.25
ભાજપમાં રાષ્ટ્રીય કક્ષાએ નવા પ્રમુખ અને ગુજરાતમાં પણ નવા પ્રદેશ પ્રમુખની નિયુકતી મુદે લાંબા સમયથી જે રીતે સસ્પેન્સ છે તે વચ્ચે આજે ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને તામીલનાડુની વિધાનસભા ચુંટણી માટેના પ્રભારી જાહેર કરીને રસપ્રદ સ્થિતી બનાવી છે. અને ખાસ કરીને જેમનું નામ રાષ્ટીય પ્રમુખ તરીકે ચર્ચામાં હતું તે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને બિહારની ચુંટણીના પ્રભારી બનાવાયા છેે.
તો તેની સાથે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીયમંત્રી સી.આર.પાટીલને બીહારમાં જ ચુંટણીના સહ પ્રભારી બનાવાયા છે. આમ પાટીલ માટે આ ત્રીજી જવાબદારી આવી છે. આ ઉપરાંત ઉતરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્યને પણ બિહારમાં ચુંટણી સહપ્રભારી તરીકે નિયુકતી અપાઇ છે. બિહારમાં આ વર્ષના અંતેજ ધારાસભા ચુંટણી યોજાઇ રહી છે.
અને તેથી જ ધર્મેન્દ્ર પ્રસાદ, સી.આર.પાટીલ અને કેશવપ્રસાદ મૌર્ય બિહારની ચુંટણીમાં વ્યસ્ત થઇ જશે. તા.6 ઓકોટોબર બાદ બિહારમાં ગમે ત્યારે ચુંટણીની જાહેરાત થનાર છે. આમ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની નિયુકિતની ચર્ચા વચ્ચે પાટીલને જે નવી જવાબદારી સુપ્રત કરાઇ તે સુચક છે.
આ ઉપરાંત ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની ચુંટણી માટે નિયુકત થયેલા કેન્દ્રીયમંત્રી ભુપેન્દ્ર યાદવને આગામી વર્ષે યોજાનારી પશ્ચિમ બંગાળની ચુંટણીમાં પ્રભારી તરીકે જવાબદારી સોપાઇ છે. તો તેમની સાથે સહપ્રભારી તરીકે લોકસભાના સાંસદ બિપ્લવકુમાર દેવને રાજયની જવાબદારી સોપાઇ છે.
પક્ષે આ ઉપરાંત તામીલનાડુમાં જયાં આગામી વર્ષે ધારાસભા ચુંટણી યોજાવાની છે ત્યાં રાષ્ટ્રીય ઉપપ્રમુખ બૈજયંત પાંડાને પ્રભારી બનાવ્યા છે. જયારે સહપ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહલને જવાબદારી સોપાઇ છે. સાભાર.સા.સમાચાર