
વિકસિત ભારતના આવતી કાલના નાગરિકો તરીકે બાળકો માટે શપથ લેવામાં આવ્યા હતા.
તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં યોજાયેલી દરેક ખાસ ગ્રામ સભામાંઓમાં આદર્શ બાલમિત્ર ગામ નિર્માણના સંકલ્પ લેવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ તથા વિકાસ કમિશનરની કચેરી (પંચાયત શાખા) તેમજ સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના સંયુક્ત ઉપક્રમે દરેક ગામમાં બાળકના મૂળભૂત અધિકારો જેવા કે શિક્ષણ, આરોગ્ય, પોષણ, સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક ગામને આદર્શ બાલ મિત્ર ગામ બનાવવા સંકલ્પ લેવામાં આવ્યા હતા.
જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં બાળ સુરક્ષા સમિતિની થયેલી રચના મુજબ દરેક ગ્રામ સભામાં સંકલ્પ લઈ બાળકોના મૂળભૂત અધિકારો તેમજ સુરક્ષા અંગે નિર્ધાર કરવામાં આવ્યો હતો. તાજેતરમાં યોજાયેલી ગ્રામ સભાઓમાં લેવાયેલા સંકલ્પમાં શાળામાં બાળકોની હાજરી, તેમના સ્વાસ્થ્ય- આરોગ્ય, મધ્યાહન ભોજન જેવી બાબતો સુનિશ્ચિત થાય, બાળકો હિંસા, શોષણ, બાળ વિવાહ જેવા દુષણોથી મુક્ત અને સુરક્ષિત રહે તેમજ આવનારા સમયમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સ્વસ્થ-શિક્ષિત બાળકો ભારતનું ભાવી ઘડે. આવા સંકલ્પ દ્વારા દરેક ગ્રામ પંચાયતોમાં ગ્રામજનોને માહિતગાર કરી તેમને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.