બિહાર ચૂંટણીમાં વ્યસ્ત ભાજપ મોવડી મંડળે ગુજરાત માટે સમય કાઢયો તે મહત્વનું બની જાય છે મુખ્યમંત્રી – પ્રદેશ પ્રમુખ દિલ્હીથી પરત : કેબીનેટ વિસ્તરણની તૈયારી
ગાંધીનગર યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ.

ગઈકાલે દિલ્હી પહોંચેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રોકાણ લંબાવી સવારે ગાંધીનગર પહોંચ્યા : હવે દિવાળી મુહૂર્ત પર નજર
◙ અમિત શાહના નિવાસે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં મંત્રીમંડળના નામો પર આખરી મહોર લાગી હોવાના સંકેતઃ ગુજરાતમાં `આપ’ સહિતના મુદાઓ પણ ચર્ચાયા
ગુજરાતમાં એક તરફ દિપાવલીનો માહોલ સર્જાયો છે અને હવે આ સપ્તાહના અંતથી લાંબુ પુરા એક સપ્તાહનું `વેકેશન’ શરૂ થઈ જશે. સોમવારે દિપાવલીની ઉજવણી બાદ વ્યાપાર-ધંધા પણ શાંત થઈ જશે. તે વચ્ચે જ ગુજરાતમાં રાજકીય ગતિવિધિ તેજ બનતા જ હવે મંત્રીમંડળ વિસ્તરણ-ભાજપના નવા સંગઠનની રચનાની ચર્ચા સમયે જ આ સપ્તાહમાં આમ આદમી પાર્ટીએ જે રીતે ખરીફ મૌસમ સમયે જ કપાસના કડદાનો મુદો ઉઠાવીને બોટાદમાં જે રીતે માર્કેટયાર્ડમાં શક્તિપ્રદર્શન કર્યુ તે તમામ મુદાઓ ફરી ગાજવા લાગ્યો છે.
ગઈકાલે અચાનક જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરની ઓચિંતી દિલ્હી મુલાકાત બાદ હવે શું તેના પર સૌની મીટ છે તે વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી રોકાણ લંબાવીને આજે સવારે ગાંધીનગર પરત ફર્યા છે અને તેની સાથે જ કેબીનેટમાં ફેરફારનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો હોવાના સંકેત છે. આજે તેઓ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરનારા હતા તે હવે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પુરો કર્યો હતો.
બીજી તરફ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે વડોદરામાં પક્ષના કાર્યક્રમના ભાગરૂપે જવાના છે પરંતુ તેમાં મુખ્યમંત્રી હાજર રહેશે કે કેમ તે પણ પ્રશ્ન છે. એક તરફ ભાજપ મોવડીમંડળ બિહાર ચુંટણીમાં વ્યસ્ત છે અને હજું ઉમેદવારો પણ પુરા પસંદ થયા નથી તે સમયે જે રીતે ગુજરાતનો એજન્ડા હાલમાં લીધો તે દર્શાવે છે કે જો ગુજરાતમાં હવે મોડું થાય તો પક્ષને સ્થાનિક ચુંટણીઓમાં ડેમેજ થઈ જઈ શકે છે.
રાજયમાં સંકેતો પક્ષના નવા પ્રદેશ પ્રમુખ શોધવામાં 18 માસ જેટલો સમય વિતાવ્યો અને હજું પુરુ સંગઠન માળખુ બાકી છે તો બીજી તરફ 17 મંત્રીઓ સાથેનું મંત્રીમંડળ 2022થી ચાલે છે. વધુ 10 ઉમેરી શકાય તેવી સ્થિતિ વચ્ચે ફેરફાર થયા નહી.
બચુ ખાબડે જે રીતે ભાજપના ભ્રષ્ટાચાર સામે ઝીરો-ટોલરન્સના દાવાની પોલ ખોલી નાખી અને અસક્ષમ મંત્રીઓ પણ સમસ્યા છે છતાં મંત્રીમંડળમાં ફેરફાર કરી શકાયા નથી તે અનિર્ણાયકતા પક્ષને ચુંટણીઓ નડી શકે છે.
બિહાર ચુંટણીના પરિણામોમાં થોડી પણ નબળી સ્થિતિ ગુજરાતમાં પણ `હવા’ બગાડી શકે છે અને તેમાં `આમ’ આદમી પાર્ટીનો `વિસાવદરવાળી’ શબ્દ હવે ભાજપના અસંતુષ્ટો પણ બોલવા લાગ્યા છે.
ખેડુતોનો અસંતોષ એ સૌરાષ્ટ્રમાં નુકશાન પહોંચાડી શકે છે તો જે રીતે `આપ’ના ગોપાલ ઈટાલિયાએ લેઉવા પટેલ ફેકટરને ફરી મજબૂત બનાવી રાજકોટથી જ જાહેરસભાઓનો પ્રારંભ કર્યો તે પણ ચિંતા છે.
સરકાર એક બાદ એક ઈવેન્ટમાં વ્યસ્ત રહે અને તે રીતે લોકોને સાથે રાખશે તે વ્યુહ પર હવે ભાજપમાં જ પ્રશ્નો ઉભા થયા છે તે સમયે મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રીની દિલ્હી યાત્રા એ ઘણું કરી જાય છે.
દિલ્હીમાં ગૃહમંત્રી શ્રી અમિત શાહના નિવાસે રાત્રીના બેઠક યોજાઈ હતી જેમાં પુર્વ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર હતા. તો બીજી તરફ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત શ્રી જગદીશ વિશ્વકર્મા દિલ્હી ગયા અને તેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હોવાના સંકેત છે.
તા.30-31 ઓકટોના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિનની એકતા દિવસ કાર્યક્રમમાં હાજર રહેનાર છે તેથી આ સંગઠન-સરકારના સંયુક્ત દિલ્હી પ્રવાસ હવે કયો એજન્ડા અમલી બનાવશે તે ચર્ચા છે.
પ્રદેશ પ્રમુખ શ્રી વિશ્વકર્મા તેમના પુર્વનિર્ધારિત કાર્યક્રમ મુજબ આજે વડોદરામાં છે તેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજરી આપવાના છે પણ સંભવતઃ તેઓ હાજર રહેશે નહી. દિલ્હીથી વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પણ પરત આવી ગયા છે અને કાલે પ્રદેશ પ્રમુખ રાજકોટના પ્રવાસે છે તે વચ્ચે કોઈ રાજકીય `ડેવલપમેન્ટ’ પર નજર છે.
ભુપેન્દ્રભાઈને પુરી `સ્ટ્રેન્થ’ અપાશે : 2027 સુધી કોઈ ફેરફાર ન કરવા પડે તે નિશ્ચિત કરાશે
`આપ’નો ખેડૂત વર્ગમાં પ્રવેશ ચિંતાજનકઃ માર્કેટયાર્ડના સુકાનીઓ પર પણ હવે નજર રખાશેઃ મોવડીમંડળ સતર્ક
રાજકોટઃ ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફાર માટે દિલ્હી ગયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આગળ વધવા લીલીઝંડી મળી ગઈ હોય અને આ સપ્તાહમાંજ મોટા ફેરફારો થશે તેવા સંકેત મળી ગયા છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ 2027ની ધારાસભા ચૂંટણી સુધી કોઈ ફેરફાર કરવા પડે નહી તે મોવડીમંડળે નિશ્ચિત કર્યુ છે.
તો ખાસ કરીને હવે પીઢ ચહેરાઓને વિદાય આપીને સાવ નવા ચહેરા લોકો સમક્ષ મુકવાની તૈયારી છે. હાલના મંત્રીમંડળમાં 17 સભ્યો છે તેમાં આઠ નવા ઉમેરાશે. મોવડીમંડળ હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પુરી `સ્ટ્રેન્થ’ આપવા માંગે છે.
ખાસ કરીને પ્રજાના પાયાના પ્રશ્નોનો મુદો મહત્વનો બની ગયા છે. હવે બાકીના અઢી વર્ષ સરકાર રોડ રસ્તાના કામમાં જ વ્યસ્ત ન રહે તે જોવા ખાસ કાળજી લેવાશે તો આમ આદમી પાર્ટી જે રીતે ખેડુતોના મુદા ઉઠાવીને ગ્રાઉન્ડ કવર કરવા માંગે છે તેમાં સરકારે હવે ખાસ ચિંતા કરી છે.
એક વખત નવા કૃષીમંત્રી આવ્યા બાદ ભાજપ તેના અંકુશના માર્કેટયાર્ડ પર પણ ધ્યાન કેન્દ્રીત કરશે. સરકારની વિવિધ ખેડુતલક્ષી યોજનાઓની પણ પુનઃ સમીક્ષા માટે ટાસ્ક ફોર્સ રચીને તેમના પ્રશ્નોના ઉકેલ લવાશે. સૂત્રોના જણાવ્યા મુજબ હવે ગુજરાતમાં હાલની વ્યવસ્થાને મજબૂત કરવાનો વ્યુહ છે. આ માટે મોવડીમંડળે પુરી કવાયત કરી છે અને તે મંત્રીમંડળમાં જોવા મળશે.
ફેરફાર ડબલ `ડીજીટ’માં હશેઃ બે કે ત્રણ મંત્રીઓ જ સલામતઃ નવા નામો `જાણીતા’ હશે
જામનગરમાં રીવાબાને સ્થાન તો પછી રાજકોટમાં ઉદય કાનગડને તક હશેઃ ટીમ તૈયાર થઈ ગઈ છે
રાજકોટઃ ગુજરાતમાં હવે મંત્રીમંડળમાં ફેરફાર નિશ્ચિત બન્યા છે તો હાલના 17માંથી 12-13 મંત્રીઓ માટે સ્થાન ટકાવી રાખવું મુશ્કેલ બની જાય તેવા સંકેત છે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ જે ફેરફાર થશે તે ડબલ ડીજીટમાં હશે અને સામાન્ય રીતે નંબર-ટુ ગણાતા નાણામંત્રીથી જ ફેરફાર થશે. હાલના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપરાંત જે નામો નેગેટીવ યાદીમાં છે.
કેબીનેટ કક્ષામાં ફરી આરોગ્યમંત્રી શ્રી ઋષીકેશ પટેલ જ સલામત ગણાય છે તો કૃષીમંત્રી રાઘવજી પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, શિક્ષણમંઞત્રઞી કુબેર ડીડોર અને સામાજીક ન્યાયમંત્રી ભાનુબેન બાબરીયામાં `લકી’ હશે તો જ બચશે.
રાજયકક્ષામાં પણ પુરુષોતમ સોલંકી, બચુ ખાબડની વિદાય નિશ્ચિત છે. વનમંત્રી મુકેશ પટેલ તથા આદીજાતિ મંત્રી કુવરજી હળપતી માટે સ્થાન ટકાવવું અઘરુ છે પણ ઉતેજના નવા ચહેરાની છે.
જેમાં જામનગરમાં રીવાબા જાડેજાને સ્થાન મળે તો રાજકોટમાં પુરૂષ ધારાસભા મંત્રી બનશે જેમાં ઉદય કાનગડનું નામ મોખરે છે તો સૌરાષ્ટ્ર સાચવવા જયેશ રાદડીયાને કેબીનેટ સ્થાન મળશે. સિનીયરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી હવે મંત્રીમંડળમાં ફરી આવશે. અમદાવાદમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ છે તેની હવે આ મહાનગરને કેટલું મહત્વ આપવું તે ચર્ચા છે પણ જગદીશ વિશ્વકર્મા હવે મંત્રીમંડળ છોડશે તેવી વેજલપુરના ધારાસભ્ય અમીત ઠાકરને ચાન્સ વધુ છે.
આ ઉપરાંત અર્જુન મોઢવાડીયા કચ્છના અનિરુદ્ધ દવેને સમાવાશે તો પરસોતમ સોલંકીના સ્થાને હીરાભાઈ સોલંકીને રાજયકક્ષા મળી શકે છે. આ નામોમાં સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ ઉપરાંત અલ્પેશ ઠાકોર, સી.જે.ચાવડાને પણ મંત્રીપદ મળી શકે.
અમરેલીમાં ચાર પાટીદાર ધારાસભ્યો છે. હવે કૌશિક વેકરીયા કે મહેન્દ્ર કચવાળામાં કોણ લકી હશે તેના પર સૌની નજર છે. કોંગ્રેસનો કવોટા જળવાઈ રહેશે. શ્રી હર્ષ સંઘવીને કેબીનેટ રેન્ક મળી શકે છે અને તેઓને રાજયકક્ષા રખાય તો પણ ગૃહમંત્રાલય યથાવત રહેશે તેવા સંકેત છે.સાભાર સા.સમાચાર