તાપી
તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને ‘મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ’ સમીક્ષા બેઠક યોજાઈ
માહિતી બ્યુરો, તાપી

—
માહિતી બ્યુરો, તાપી તા. 09 :- તાપી જિલ્લાના નાગરિકોના જીવન માપદંડ, આરોગ્ય, પોષણ, શિક્ષણ, આધારભુત સેવા અને સુવિધાઓમાં ગુણાત્મક સુધારો લાવવાના આશય સાથે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ’ હેઠળ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ કુપોષણ દૂર કરવા માટે આંગણવાડી અને આરોગ્ય કેન્દ્રો પર કામગીરી વધુ સઘન બનાવવા, શાળાએ જતા બાળકોની હાજરી બાબત તેમજ પીવાનું પાણી, સ્વચ્છતા (શૌચાલય), વીજળી, રાંધણ ગેસ અને પાકા મકાન જેવી પાયાની સુવિધાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો અને ગરીબી નિર્મૂલન માટેના વિવિધ ૧૨ જેટલા સૂચકાંકો પર ભાર મૂક્યો હતો.
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ કલેક્ટરશ્રી નિશાંત કુગાશિયા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાગર મોવાલિયા સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.




