ખેતીની પાઠશાળા : તાપીનું યુવાધન હવે પ્રાકૃતિક કૃષિના પથ પર
આલેખન - સંગીતા ચૌધરી-માહિતી બ્યુરો, તાપી

–
પ્રાકૃતિક ખેતી અંગે નિઝર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓનો વિશ્વાસ જાગ્યો
–
માહિતી બ્યુરો, તાપી તા.09 :- રસાયણિક ખેતી અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીનની ગુણવત્તા અને માનવ સ્વાસ્થ્યમાં ગંભીર પરિણામો જોવા મળી રહ્યાં છે, ટૂંકમાં પ્રાકૃતિક ખેતી આજે સમયની માંગ છે. પરંપરાગત ખેતી આજે તાપી જિલ્લાના શિક્ષિત યુવાનોને પોતાની તરફ ખેંચી રહી છે. તાપી જિલ્લાનું યુવાધન શિક્ષણ પૂર્ણ કરીને શહેર તરફ પ્રયાણ કરવાને બદલે પોતાની ખેતીમાં જ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાઈ રહ્યો છે. જે કૃષિ ક્ષેત્રે આશાનું નવું પ્રેરણાસ્રોત બની રહ્યું છે.
નોંધનીય છે કે, ખેડૂતોની સાથે જિલ્લાના યુવાનો પણ પ્રાકૃતિક ખેતી તરફ રુચી દાખવી રહ્યાં છે. ગુરુવારે ‘ઇનોવેશન ક્લબ’ અંતર્ગત આયોજિત ‘ઓર્ગેનિક ફાર્મિંગ એન્ડ ઇનોવેશન’ કાર્યક્રમ હેઠળ નિઝરની શ્રી એસ.જી. પટેલ આર્ટ્સ અને શ્રી પી.કે. દેસાઈ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ મુબારકપુરાના પ્રગતિશીલ ખેડૂત રાહુલ પટેલના ફાર્મની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું જ્ઞાન મેળવવાનું નહીં, પરંતુ જીવામૃત અને ઘન જીવામૃત તૈયાર કરવાની વૈજ્ઞાનિક તથા પ્રયોગાત્મક પદ્ધતિઓને પ્રત્યક્ષ રીતે સમજીને અનુભવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના ‘ઝેરમુક્ત ખેતી’ ના દ્રષ્ટિપૂર્ણ વિઝનનું વિદ્યાર્થીઓએ અનુમોદન કર્યુ હતુ.
આ મુલાકાત દરમિયાન કોલેજની એક વિદ્યાર્થિનીએ પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત બાદ અમને રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો સ્પષ્ટ તફાવત સમજાયો છે. જીવામૃત અને ઘનજીવામૃત જેવા કુદરતી ઉપાયો વિશે પ્રત્યક્ષ જાણકારી મળવાથી પ્રાકૃતિક ખેતી પ્રત્યે અમારી દ્રષ્ટિ વધુ સકારાત્મક બની છે.
ભણેલા-ગણેલા યુવાનો હવે રાસાયણિક ખેતીના ગેરફાયદા સમજી ‘કુદરતી ખેતી’ને પ્રાધાન્ય આપી રહ્યા છે. જ્યારે યુવાનો એગ્રીકલ્ચર અને સાયન્સના સિદ્ધાંતોને ખેતીમાં ઉતારે છે, ત્યારે તેઓ એક ‘કૃષિ વિજ્ઞાનીક’ તરીકે ઉભરી આવે છે. અનુભવી ખેડૂતોના માર્ગદર્શન હેઠળ યુવાનો હવે ખેતી ખર્ચ ઘટાડી ગુણવત્તાયુક્ત પાક લેવાની નવી તકનીકો અપનાવી આર્થિક સમૃદ્ધિ તરફ ડગ માંડી રહ્યા છે.
કુદરતી સૌંદર્યથી લહેરાતો તાપી જિલ્લો હવે યુવાઓના સહયોગથી ‘પ્રાકૃતિક ખેતીના મોડલ’ તરીકે સ્થાપિત થઈ રહ્યો છે. કોલેજના વિદ્યાર્થીઓનો ખેતી પ્રત્યેનો સક્રિય અભિગમ આવનારી પેઢી માટે સ્વાસ્થ્યપ્રદ ભવિષ્યનું નિર્માણ કરશે. આ યુવાશક્તિના પ્રયાસોથી તાપી જિલ્લો કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા અને નવી કૃષિ ક્રાંતિ તરફ આગળ વધશે તેવી દ્રઢ આશા વ્યક્ત થઈ રહી છે.
આલેખન – સંગીતા ચૌધરી




