વ્યારા માર્કેટિંગ યાર્ડ ખાતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬’ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
રોશન સાવંત-માહિતી બ્યુરો, તાપી

વ્યારા માર્કેટિંગ યાર્ડ ખાતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬’ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
—
માહિતી બ્યુરો, તાપી તા. 09 :- ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬’ ના ભાગરૂપે વ્યારા માર્કેટિંગ યાર્ડ ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય આશય માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને નાગરિકોમાં ટ્રાફિક પ્રત્યે અભિગમ કેળવવાનો હતો.
આ પ્રસંગે સહાયક મોટર વાહન નિરીક્ષકશ્રી બી.સી. ચૌધરીએ વાહન ચાલકોને માર્ગ અકસ્માતો નિવારવા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, નિયત ઝડપ મર્યાદા જાળવવા તેમજ વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવા જેવી પાયાની સુરક્ષા બાબતો પર માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.
કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતીને લગતા પેમ્પલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ નાગરિકો અને વાહન ચાલકોએ માર્ગ સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને અન્યને પણ જાગૃત કરવા માટેના સામુહિક શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં વ્યારા માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરીશ્રી રોબીનભાઈ ગામીત, આર.ટી.ઓ. વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વાહન ચાલકો ઉપસ્થિત રહ્યા હતા.




