૨૧ કરોડ ના ખર્ચે તૈયાર થયેલ ટાંકી ભષ્ટ્રાચારમા હોમાય ગઈ: ઉદ્ઘાટન પહેલાં જ પાણીની ટાંકી ધરાશાયી, તડકેશ્વર નજીક દૂધેરી વિસ્તારમાં ભારે ચકચાર
કિરણ ચૌધરી બ્યુરો ચીફ માંડવી દ્ધારા માંડવી | સુરત

મોટા ભ્રષ્ટાચારની આશંકા, તપાસની માંગ
માંડવી | સુરત તડકેશ્વર નજીક આવેલ દૂધેરી વિસ્તારમાં નવી બનાવવામાં આવેલી પાણીની ટાંકી ઉદ્ઘાટન પહેલાં જ ધરાશાયી થઈ જતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ટાંકી આ રીતે તૂટી પડતા નિર્માણ કાર્યની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ટાંકીનું કામ તાજેતરમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું અને હજી સુધી તેનો કોઈ સત્તાવાર ઉદ્ઘાટન પણ થયો ન હતો.
તેમ છતાં ઉદ્ઘાટન પહેલાં જ ટાંકી ધરાશાયી થવાથી કામમાં ગંભીર બેદરકારી તેમજ નબળી સામગ્રીના ઉપયોગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ ઘટનાને લઈને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ સંબંધિત સરકારી વિભાગ
સામે તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવી છે. સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ આવી બેદરકારીથી ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ લોકોમાં જોવા મળી રહી છે.
લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને જવાબદારો સામે કડક પગલાં લેવાની માગ ઉગ્ર બની છે.ટેસ્ટિંગ દરમિયાન જ તડકેશ્વરની 9 લાખ લીટર પાણીની ટાંકી ધરાશાયી, ભ્રષ્ટાચારના આક્ષેપો માંડવી તાલુકાના તડકેશ્વર વિસ્તારમાં અમલમાં આવેલી પાણી પુરવઠા યોજનામાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. 9 લાખ લીટર ક્ષમતા ધરાવતી નવી બનેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ તૂટી પડવાની ઘટના બની હતી. ટાંકીનો પાયો ભારે ભાર સહન ન કરી શકતા સમગ્ર માળખું ધરાશાયી થયું હતું.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બાંધકામ પહેલાં જમીનનું યોગ્ય સોઈલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું નહોતું. તેમજ સિમેન્ટ અને કોંક્રિટના મિશ્રણમાં ગુણવત્તા જાળવવામાં ન આવતા બાંધકામ નબળું બન્યું હોવાનું સામે આવ્યું છે. આ બેદરકારીને કારણે ટાંકી પર આવેલો ભાર પાયા સહન ન કરી શક્યો હોવાનું માનવામાં આવે છે.આ ગંભીર ઘટનાને લઈ સુરત જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી, કોગ્રેસ મંડળના પ્રતિનિધિઓ તથા સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. કોગ્રેસના આગેવાનોએ સમગ્ર ઘટનાને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.કોગ્રેસ દ્વારા પાણી પુરવઠા જેવી જનહિતની યોજનામાં થયેલી બેદરકારીને લઈ ઊંચીસ્તરીય અને પારદર્શક તપાસ કરાવી દોષિતોને સજા કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જવાબદારી નક્કી કરવાની માગ ઉઠી રહી છે.


