તાપી વહીવટી તંત્ર દ્વારા વ્યારામાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન આજે સાંજે ૫ વાગે ઉનાઈ નાકાથી પ્રસ્થાન કરી જૂનું બસ સ્ટેન્ડ – સયાજી મેદાન થઈ પરત ફરશે નાગરિકોને આ રાષ્ટ્રીય ઉત્સવમાં ઉમંગભેર જોડાવવા તંત્ર દ્વારા અનુરોધ
માહિતી બ્યુરો-તાપી
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વ્યારા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વછતા કે સંગ’ ના સંદેશ સાથે દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના ઉજાગર કરશે.તાપી જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાના આયોજન સંદર્ભે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. રેલીમાં પોલીસ પ્લટૂન, પોલીસ અશ્વ રેલી, બાઈક રેલી અને વેશભૂષા, સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમો માટે સમગ્ર સંકલન સમિતિના સભ્યો સાથે આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.આજે તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૫ બુધવારના રોજ સાંજે ૫ વાગે ઉનાઈ નાકાથી પ્રસ્થાન કરી જૂનું બસ સ્ટેન્ડ – સયાજી મેદાન થઈ પરત ફરશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, અને સ્થાનિક સંસ્થાઓ જોડાશે. દેશપ્રેમ, એકતા અને સ્વચ્છતાના સંદેશ સાથે લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવાનો ઉદ્દેશથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોને આ રાષ્ટ્રીય ઉત્સવમાં ઉમંગભેર જોડાવવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.નોંધનીય છે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં ખૂણે-ખૂણે ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અભિયાન આપણા દરેક નાગરિકના હૃદયમાં રહેલી દેશભક્તિની ભાવનાનું પ્રતીક છે. આ તિરંગો આપણને એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા આપે છે.