
વાલોડ સરકારી વિજ્ઞાન કૉલેજનો એન.એસ.એસ. વાર્ષિક શિબિર સંપન્ન
—
વિદ્યાર્થીઓમાં દેશ માટે જીવવાની ભાવના કેળવતા મુખ્ય વક્તાશ્રી નૈષધ મકવાણા
—
કહેર-કલમકૂઈ ખાતે યોજાયેલા શિબિરમાં વિદ્યાર્થીઓને સમતોલ આહાર, વ્યાયામ અને વ્યસનમુક્ત જીવન માટે પ્રેરિત કરાયાં
—
માહિતી બ્યુરો, તાપી તા. ૧૭ :- વિદ્યાર્થીઓને સમૂહજીવન અને રાષ્ટ્રસેવાના પાઠ ભણાવવાના ઉમદા આશય સાથે ગ્રામભારતી માધ્યમિક શાળા, કહેર-કલમકૂઈ ખાતે યોજાયેલ સરકારી વિજ્ઞાન કૉલેજ, વાલોડનો એન.એસ.એસ. વાર્ષિક શિબિર સંપન્ન થયો હતો.
કાર્યક્રમના મુખ્ય વકતા શ્રી નૈષધ મકવાણાએ ‘સેવા અને સંવેદનશીલતા’ વિષય પર વક્તવ્ય આપતા જણાવ્યું કે, સેવાનો સીધો સંબંધ હૃદયની સંવેદના સાથે છે. જો હૃદયમાં પરોપકારનો ભાવ ન હોય તો મજબૂત શરીર અને જ્ઞાનનો ભંડાર વ્યર્થ છે. તેમણે ઉમેર્યું કે, નાગરિક તરીકે આપણી ફરજોનું પાલન કરવું એ જ સૌથી મોટી દેશસેવા છે.
એન.એસ.એસ.ના શિબિરો વિદ્યાર્થીઓના વ્યવહારિક ઘડતર માટે આત્મચિંતનનો અવસર પૂરો પાડે છે. ગ્રામભારતી શાળામાં આયોજિત શિબિરમાં આચાર્યશ્રી હિતેશભાઈ માહ્યાવંશીએ મહેમાનોનું સ્વાગત વૃક્ષનો છોડ, પુસ્તક અને ખાદીના રૂમાલ આપીને એક નવી રાહ ચીંધી હતી.
પ્રોજેક્ટ ઓફિસર પ્રજ્ઞેશ ચૌધરીએ વિદ્યાર્થીઓની શિસ્તબદ્ધ દિનચર્યા વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે નિવૃત્ત શિક્ષક શ્રી ચંદ્રસિંહ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં ગાંધીજીના અગિયાર મહાવ્રતોનું સ્મરણ કરી સમાજમાં ફેલાયેલા સ્વાર્થના ભાવને ત્યાજી “સહજીવન” જીવવાની પ્રેરણા આપવામાં આવી હતી. અંતમાં શ્રી પાર્થ પંચાલે આભારવિધિ કરી હતી અને રાષ્ટ્રગીત સાથે શિબિરનું સમાપન થયું હતું.



