વ્યારા ખાતે ૨૦મીથી શરૂ થનાર ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’ ના સુચારુ આયોજન માટે નિવાસી અધિક કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
માહિતી બ્યુરો, તાપી

વ્યારા ખાતે ૨૦મીથી શરૂ થનાર ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’ ના સુચારુ આયોજન માટે નિવાસી અધિક કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
—
માહિતી બ્યુરો, તાપી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મહિલા નેતૃત્વ વિકાસ’ ના વિઝનને સાકાર કરવાના આશય સાથે રાજ્યના આદિજાતિ મંત્રીશ્રી તથા તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને રમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ વ્યારાના દક્ષિણાપથ વિદ્યાલય મેદાન ખાતે ‘સશક્ત નારી મેળો’ યોજાશે.
આ કાર્યક્રમ સંદર્ભે તા. ૨૦મીથી શરૂ થનારા ત્રિ-દિવસીય કાર્યક્રમને સફળ બનાવવા માટે સુચારૂ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ખ્યાતિબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં શ્રી બોરડે, સ્ટોલ્સની ફાળવણી, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ અને આરોગ્યની ટીમ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપરાંત, જિલ્લાના વિવિધ સખી મંડળો, મહિલા ઉદ્યોગસાહસિકો અને સ્વસહાય જૂથો વધુમાં વધુ સંખ્યામાં આ મેળામાં ભાગ લે અને તેમના ઉત્પાદનોનું પ્રદર્શન-વેચાણ કરે તે માટે જરૂરી સૂચનાઓ અપાઈ હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાપીના નગરજનો અને વિશેષ કરીને મહિલાઓને આ મેળાનો મહત્તમ લાભ લેવા અને નારી શક્તિના આ મહોત્સવને સફળ બનાવવા અપીલ કરવામાં આવી હતી.




