
ગાંધીનગર તા.9
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હંમેશાં કોમન મેન યા ધરતીપુત્રના અંદાજમાં જોવા મળતા હોય છે. ક્યારેક ખેતરમાં હળ ચલાવતા કે પછી જાહેર ટ્રાન્સપોર્ટની સેવા પણ લેતા જોવા મળ્યા છે.
પ્રાકૃતિક ખેતીની વાતો માટે પણ જાણીતા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ એક સામાન્ય માણસ બનીને લોકો સુધી પહોંચતા હોય છે. `કોમન મેન’તરીકે બસની મુસાફરી કરતી વખતનો અંદાજ જોવા મળ્યો છે. બસની મુસાફરી વખતે મહિલા ક્નડક્ટર પાસે ટિકિટ માંગી ત્યારે બસના મુસાફરોને પણ આશ્ચર્ચ થયું હતું.
ગુજરાતના રાજ્યપાલની સાથે મહારાષ્ટ્ર રાજ્યનો હવાલો સંભાળતા આચાર્ય દેવવ્રત સ્ટેટ માર્ગ પરિવહન નિગમની સરકારી બસમાં બેસીને ગાંધીનગરના સોલૈયા ગામે પહોંચ્યા હતાં.
બસમાં તેઓ મુસાફરોની વચ્ચે જ બેઠા હતા. બસમાં બેસેલા લોકોને નવાઈ તો ત્યારે લાગી, જ્યારે તેમણે સામાન્ય માણસની જેમ કંડક્ટર પાસેથી ટિકિટ લીધી હતી. એક રાજ્યપાલને મહિલા કંડેક્ટર પાસે ટિકિટ માંગતા જોઈને મુસાફરો ચોંકી ગયા હતા.
બસની મુસાફરી દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે યુવાનો તથા અન્ય લોકો સાથે વાતચીત પણ કરી હતી. આ દરમિયાન આચાર્ય દેવવ્રતે મુસાફરોને અપાતી સુવિધાઓ, સ્વચ્છતા, સમયપાલન અને સેવાઓ વિશે માહિતી મેળવી હતી.
આચાર્ય દેવવ્રતે એક્સ પર શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ સામાન્ય માણસની જેમ બસની મહિલા કંડક્ટર અને મુસાફરો સાથે વાતચીત કરી રહ્યા છે.
બસ મુસાફરીની વીડિયો સાથેની પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે એસ.ટી. સેવા રાજ્યના લાખો નાગરિકો માટે સુલભ, ભરોસાપાત્ર અને પરવડે તેવું જાહેર પરિવહનનું સશક્ત માધ્યમ છે.




