જંતર મંતરમાં ફરી હજારો દેખાવકારો ઉમટયા : દિલ્હીના 16 મેટ્રો સ્ટેશનો બંધ કરાયા
નવી દિલ્હી S.S.SABHAR યંગ ગુજરાત અખબાર અને ડિજીટલ ન્યૂઝ

પાટનગરમાંથી હજારો લોકો ઉમટવા લાગતા સરકાર ચોંકી : જનપથ તથા પીએમ આવાસના લોકકલ્યાણ માર્ગ સહિતના મેટ્રો બંધ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાય કશું ખપે નહી : આંદોલનકારીઓનો ગુસ્સો યથાવત : સરકારે પશ્ચિમ બંગાળથી 2000 સીઆરપીએફને દિલ્હી દોડાવ્યા
ગત સોમવારની સંસદકૂચ બાદ દિલ્હીમાં જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના ધરણા આજે વધુ વેગવાન બન્યા છે અને હજારો વિદ્યાર્થીઓ ધરણા સ્થળે પહોંચતા સરકાર ચોંકી ઉઠી છે અને વધુ લોકોને પહોંચતા અટકાવવા દિલ્હીના 16 જેટલા મેટ્રો સ્ટેશન બંધ કરાયા છે.
અહી સુરક્ષા વધારવા પશ્ચિમ બંગાળની સીઆરપીએફના 2000 જવાનોને તાત્કાલીક દિલ્હી બોલાવાયા છે. આજે આ આંદોલનનો 33મો દિવસ છે અને એક તરફ સરકારે વાટાઘાટો ચાલુ કરી છે તથા સોનમ વાંગચૂકના ઉપવાસનો અંત આવે તે પણ પ્રયત્ન કરી રહી છે.
બીજી તરફ જંતર મંતરના ધરણા વધુ તેજ બન્યા છે. ગઈકાલથી જ અહી હજારો લોકો ઉમટવાના શરુ થયા હતા અને તેઓ અહી ધરણામાં સામેલ થઈ રહ્યા છે. રાત્રીના જ હજારો દેખાવકારો જંતર મંતર પાસે સૂતા નજરે ચડયા હતા.
આજે સવારે વધુ પહોંચશે તેવા સંકેત મળતા જ દિલ્હીમાં જંતર મંતર સહિતના વિસ્તારોમાં પહોંચાડતા 16 મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા છે. અગાઉ કૂચ સમયે ઘાયલ થયેલા સેંકડો લોકો પણ ફરી જંતર મંતર પહોંચવા લાગ્યા છે.
તેઓ આંદોલનમાં જોડાતા જ સમગ્ર આંદોલનને નવી તાકાત મળી હોય તેવા સંકેત છે. એક તરફ પોલીસ આંદોલનકારીઓ સામે 10થી વધુ એફઆઈઆર નોંધીને તેના પર ભીંસ વધારવા પ્રયત્ન કરી રહી છે પરંતુ આંદોલનકારીઓ મચક આપવા તૈયાર નથી તેવા સંકેત છે.
આ તો ટ્રેલર છે, લાખો ઉમટી પડશે : કોકરોચ પાર્ટીની ચેતવણી:
નીટ પેપર લીક અંગે જંતર મંતર પર ચાલી રહેલા ધરણામાં જે રીતે ફરી એક વખત હજારો લોકો ઉમટી રહ્યા છે તેના પર આ સંગઠનના પ્રવકતા આશુતોષ રાંકા એ જણાવ્યું કે આ તો ફકત ટ્રેલર છે.
જો સરકાર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની અમારી માંગણીઓ નહી સ્વીકારે તો લાખો લોકો દિલ્હી ઉમટી આવશે. તેમણે જણાવ્યું કે પોલીસે ચારે તરફ નાકાબંધી કરી છે તેમ છતાં અમને ટેકો મળી રહ્યો છે અને સરકારના દમનનો જવાબ પણ મળી રહ્યો છે તે વચ્ચે જો સરકાર માંગણી નહી સ્વીકારે તો લાખો લોકોથી આ વિસ્તાર ભરી દેશું.



