નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ધરમપુર તાલુકાના ખેડૂતો માટે તાલીમ-વ-જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જિલ્લા માહિતી કચેરી, નવસારી & વિજય ગામીત વાંસદા ( નવસારી)

નવસારી : ગુરુવાર : કૃષિ વિસ્તરણ અને સંચાર વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી ખાતે “સ્ટ્રેન્ધનિંગ ઓફ એક્ષટેન્શન વિંગ”
યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કુરગામ અને તીસ્કરી ગામના ખેડૂત ભાઈઓ-બહેનો માટે “અલ નીનોની સંભવિત અસર
હેઠળ ચોમાસુ પાકોનું જોખમ વ્યવસ્થાપન” વિષય પર તાલીમ-વ-જાગૃતિ કાર્યક્રમ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજેન્દ્રકુમાર નાયકના
અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજેન્દ્રકુમાર નાયકે ખેડૂતોને કુદરતી પરિસ્થિતિને અનુરૂપ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ
અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે બદલાતી આબોહવા અને હવામાનની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી ખેડૂતોને વૈજ્ઞાનિક અભિગમ સાથે
ખેતી કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ વધુમાં વધુ ખેડૂતો નવસારી કૃષિ યુનિવર્સિટીની સંશોધન અને વિસ્તરણ સેવાઓનો લાભ લે તેવી હાકલ
કરી હતી.
વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્માએ ખેડૂતોને હવામાન આધારિત કૃષિ ભલામણો, કૃષિ આધારિત મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ,
પાક વૈવિધ્યકરણ તેમજ પાક વીમા જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે હવામાનની બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને
સમયસર નિર્ણય લઈ ખેતીમાં જોખમ ઘટાડવા પર ભાર મૂક્યો હતો.
ન. મ. કૃષિ મહાવિદ્યાલયના આચાર્ય અને ડીન ડૉ. પથિક પટેલે બદલાતી આબોહવાને અનુકૂળ પાકની જાતો અને પાકોની પસંદગી કરવા
ખેડૂતોને અનુરોધ કર્યો હતો. તેમણે સ્થાનિક પરિસ્થિતિ, હવામાન અને જમીનની ગુણવત્તાને અનુરૂપ પાક આયોજનનું મહત્વ સમજાવ્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને બાયો ફર્ટિલાઈઝરનું નિદર્શન સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી ખેડૂતોને તેના ઉપયોગ અને લાભ અંગે પ્રાયોગિક
સમજ મળી શકે.
કાર્યક્રમના માધ્યમથી ખેડૂતોને અલ નીનોની સંભવિત અસર સહિત બદલાતી હવામાન પરિસ્થિતિમાં ચોમાસુ પાકોમાં ઉદભવતા જોખમોનું
વૈજ્ઞાનિક પદ્ધતિથી વ્યવસ્થાપન કરી ઉત્પાદન અને આવકનું જોખમ ઘટાડવા માટે ઉપયોગી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.
આ તાલીમ-વ-જાગૃતિ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃષિ વિસ્તરણ અને સંચાર વિભાગના વડાશ્રી ડૉ. જે. બી. ડોબરીયા, ડૉ. પી. બી.
ખોડીફાડ, ડૉ. રાજેશકુમાર એમ. ભુવા, ડૉ. સંદીપ આર. કુંભાણી તથા ડૉ. કલ્પેશ એલ. ચૌધરી સહિતના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ ભારે
જહેમત ઉઠાવી હતી.




