આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ’: ત્રી-દિવસીય શાળા પ્રવેશોત્સવનો તાપી જિલ્લામાં પ્રારંભ
માહિતી બ્યુરો, તાપી

માહિતી બ્યુરો, તાપી
રાજ્ય સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ એવા શાળા પ્રવેશોત્સવના ત્રી-દિવસીય કાર્યક્રમનો સમગ્ર તાપી જિલ્લામાં તા.૨૬થી શુભારંભ થયો છે. આજે વ્યારા તાલુકાના બોરખડી અને ચીખલીની શાળાઓમાં વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. પ્રભારી મંત્રીશ્રીએ બાળકોને શૈક્ષણિક કીટ આપી કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા. રાજ્યમાં શાળાએ જવા પાત્ર બાળકોનું ૧૦૦ ટકા નામાંકન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની ગુજરાતની અભિનવ પહેલ “શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ” ની આ ૨૩મી કડીનો આજથી રાજ્ય વ્યાપી પ્રારંભ થયો છે.
મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે બોરખડી ઉત્તર બુનિયાદી કન્યા શાળા ખાતેથી ૧૮૬ બાલિકાઓને પ્રવેશ અપાવતા જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન આંગળી પકડીને પ્રવેશવ અપાવવાની શરૂઆત કરી હતી. નરેન્દ્રભાઈ મોદીના શિક્ષણ માટેના આ અભિગમથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો અને આ શાળા પ્રવેશોત્સવથી છેવાડાના ગામડાઓથી લઈને શહેરો સુધી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું છે. રાજ્યના મંત્રીશ્રીઓ અને અધિકારીઓ છેવાડાના ગામડામાં પહોંચીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવે છે જેના પરિણામે ડ્રોપ આઉટ રેશિયો સતત ઘટતો ગયો છે. વર્ષો પહેલા દીકરીઓ અધ વચ્ચેથી અભ્યાસ છોડી મૂકતી હતી તે દીકરીઓને ઘર આંગણે શિક્ષણ પૂરું પાડવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરાયું છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલી બનાવી અને છેવાડાના વ્યક્તિ સુધી મફત શિક્ષણ પહોંચાડ્યું છે. ત્યાર બાદ મંત્રીશ્રીએ વક્તવ્ય આપવાને બદલે બાળકીઓ સાથે સંવાદ કર્યો હતો. ધ્રુવીકુમારી નામની વિદ્યાર્થીની સાથે વાતચીત કરતા મંત્રીશ્રીએ પૂછ્યું હતું કે તે મોટી થઈને શું બનશે ત્યારે ધ્રુવીએ જણાવ્યું હતું કે તે મોટી થઈને આઈ.એ.એસ બનવા માંગે છે જેનાથી શ્રી મુકેશભાઈ પટેલ ખૂબ પ્રભાવિત થઈને આ બાળકીના ઘરે વ્યક્તિગત રીતે મુલાકાત લીધી હતી. કાર્યક્રમના અંતે અધ્યક્ષશ્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું તથા ગ્રામ લોકો સાથે ચર્ચા કરાઈ હતી.
તાપી જિલ્લાના ચીખલી ગામની સ્કુલ ઓફ એકસલન્સ ખાતે પણ મંત્રીશ્રીએ સમગ્ર કાર્યક્રમમાં રસપૂર્વક નિહાળ્યો હતો. શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં પણ તેઓ હાજર થયા હતા આ બેઠકમાં તેમણે અનિયમિત બાળકોને ખાસ મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સૂચનો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જે બાળકો અનિયમિત છે તેમને આઈડન્ટીફાય કરી તેમને ફક્ત નિયમિત કરવા માટે દતક લો. મંત્રીશ્રીએ વાલીઓને પી.એમ પોષણ યોજના, દૂધ સંજીવની યોજના જેવી યોજનાઓનો લાભ મળે છે કે નહિ તે ખાતરી કરી હતી. ચીખલી શાળા ખાતે વાહનની સુવિધા માટે તેમના હાથે શુભ શરૂઆત કરાવી હતી. શાળામાં એક પેડ, માં કે નામ, “ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” જેવા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં આ વર્ષે આંગણવાડી, બાલ વાટિકા, ધોરણ-૧ અને ૯માં કુલ મળીને ૨૧ હજારથી વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. જિલ્લામાં આજથી ત્રણ દિવસ દરમિયાન તમામ ૭ તાલુકાઓમાં રાજ્ય કક્ષાના અધિકારીશ્રીઓ, જિલ્લા કક્ષાના વર્ગ ૧ અને ૨ ના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો શાળા પ્રવેશોત્સવમાં જોડાયા છે.
આ શાળા પ્રવેશોત્સવમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી અલ્પના નાયર, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી સૂરજ વસાવા, રાકેશભાઈ કાચવાલા, શાળાના આચાર્યશ્રીઓ, દિનેશભાઈ રામાણી, શિક્ષકગણ, સરપંચશ્રીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.