મુખ્યમંત્રીએ પહિંદવિધિ સાથે પ્રસ્થાન કરાવ્યુ : કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ દર્શન – આરતી કર્યા
અમદાવાદ

અષાઢીબીજના આજના પવિત્ર દિવસે અમદાવાદ ‘જય રણછોડ, માખણચોર’ના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠયુ હતું. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં ભકતોના ઘોડાપુર ઉમટયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, ગુજરાતના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની હાજરીમાં વિરાટ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું. રથયાત્રા આખો દિવસ શહેરમાં પરિભમણ કરીને મોડી સાંજે નિજમંદિરે પરત ફરશે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આજે પ્રથમ વખત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું. ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી તથા બલભદ્રજીના ત્રણ રથ સાથે પરંપરાગત વિરાટ રથયાત્રાનું પ્રસ્થાન થયુ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરાવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને દર્શન-આરતી કર્યા હતા. પ્રસ્થાન વખતે પ્રથમવાર ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતુ. રથયાત્રાને પગલે વ્હેલી સવારે ચાર વાગ્યાથી જ મંદિરે ભાવિકો ઉમટી પડયા હતા.
રથયાત્રામાં ગજરાજ, ભજન મંડળીઓ સાથે રાસ ગરબાની રમઝટ થઈ હતી. સમગ્ર રૂટ પર ભગવાન જગન્નાથજીના રૂટ પર પુષ્પવર્ષા થતી રહી હતી. સમગ્ર રૂટ પર ભગવાનના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભાવિકોની કતારો જોવા મળી હતી.
રથયાત્રાના પ્રારંભ સાથે એક પછી એક રથ જમાલપુર દરવાજાથી આગળ પહોંચ્યા હતા. પ્રસ્થાન વખતે જ પવિત્ર અમીછાંટણા થયા હતા. સમગ્ર રથયાત્રામાં જય રણછોડની ગુંજ રહી છે. રથયાત્રામાં 18 ગરાજ, 101 ટ્રક, અંગ કસરતના 30 અખાડા, 18 ભજનમંડળી, ત્રણ બેન્ડવાજા જોડાયા હતા. હરિદ્વાર, ઉજજૈન, અયોધ્યા, નાસિક સહિતના પવિત્ર ધર્મસ્થળોએથી 2500થી વધુ સાધુસંતો સામેલ થયા હતા.
148મી પરંપરાગત રથયાત્રા શાંતિપૂર્ણ રહે અને કોઈ અવરોધ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રથમ વખત એઆઈ ટેકનોલોજીથી ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે.
ડ્રોનથી સમગ્ર રૂટ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. ધાબા પોઈન્ટ ઉભા કરાયા છે. સમગ્ર રૂટ પર 24000 જવાનોનો સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. એટીએસ, રેપીડ એકશન ફોર્સ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ સલામતી વ્યવસ્થામાં સામેલ છે.
રથયાત્રામાં હાથી બેકાબૂ થતા નાસભાગ: પોલીસ -ઝૂ વિભાગે તત્કાળ કાબૂ કર્યો
પ્રસ્થાન થતા બાદ રથયાત્રામાં સામેલ હાથીમાંથી ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતા આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ ડી.જેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી નહતી મચી.
ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસની કામગીરીના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી.