નવસારી જિલ્લાના કેલીયાડેમ અને જુજ ડેમ ૧૦૦ ટકા ભરાઇ ઓવર ફ્લો થયો

( નવસારી : મંગળવાર,તા.૧૫) : નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં બે મહત્વના ડેમ સ્થિત છે. કેલિયા
ડેમ અને જુજ ડેમ જે બન્ને આજે ૧૦૦ ટકા સપાટીએ ભરાઇને ઓવરફ્લો થયા છે. જે અન્વયે બન્ને ડેમના
હેઠવાસના ગામોના લોકોને સ્થાનિક તંત્ર દ્વારા સાવચેત કરાયા છે.નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જુજ ગામે કાવેરી નદી ઉપર સ્થિત જુજ ડેમ આજે તા.૧૫-૦૭-૨૦૨૫ના રોજ વહેલી સવારના ૦૩.૦૦ કલાકે સંપૂર્ણ સપાટીએ ભરાઇ ઓવર ફ્લો થયો છે. હાલ ડેમમાંથી૨૩૨.૩૩ ક્યુસેક પાણીનો પ્રવાહ ઓવરફ્લો થઇ રહ્યો છે. જળાશયની સંપૂર્ણ જળ સપાટી ૧૬૭.૫૦ મીટર છે.
જળાશયમાં હાલ તા.૧૫-૦૭-૨૦૨૫ ના રોજ સવારના ૧૦ વાગ્યાના આંક અનુસાર સપાટી ૧૬૭.૮૦ મીટર છે.
ડેમઓવર ફ્લો થતા ડેમ વિસ્તારને લગતા કુલ-૨૫ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં વાંસદા તાલુકાના ૧૩ ગામો,
ચીખલી તાલુકાના ૦૬ ગામો અને ગણદેવી તાલુકાના ૦૬ ગામોના નાગરીકોને એલર્ટ કરાયા છે.
આ સાથે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલિયા ગામે ખરેરા નદી ઉપર સ્થિત કેલિયા ડેમ આજે
તા.૧૫-૦૭-૨૦૨૫ના રોજ સવારે ૧૦ વાગ્યાના અરસામા સંપૂર્ણ સપાટીએ ભરાઇ ઓવર ફ્લો થયો છે. હાલ
ડેમમાંથી ૧૧૭૭.૧૬ ક્યુસેક પાણીનો પ્રવાહની આવક થઇ રહી છે. જળાશયની સંપૂર્ણ જળ સપાટી પણ તા.૧૫-
૦૭-૨૦૨૫ ના રોજ સવારના ૧૦ વાગ્યાના આંક અનુસાર ૧૧૩.૪૦ મીટર છે. ડેમઓવર ફ્લો થતા ડેમ વિસ્તારને
લગતા કુલ-૨૧ જેટલા ગામોના નાગરીકોને સાવચેત કરાયા છે. જેમાં વાંસદા તાલુકાના ૦૧ ગામ, ચીખલી
તાલુકાના ૧૬ ગામો, ખેરગામ તાલુકાના ૦૧ ગામ, અને ગણદેવી તાલુકાના ૦૫ ગામોના નાગરીકોને એલર્ટ કરાયા
છે.
નોંધનિય છે કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સ્થિત કેલીયા અને જુજ ડેમ મુખ્યત્વે ખરીફ અને રવિ
સીઝન માટે ખેડૂતોને આશિર્વાદ રૂપ છે. બન્ને ડેમ સંપૂર્ણ સપાટીએ પાણી ભરાતા ગ્રામજનો અને ખેડૂતોમાં
સિંચાઇના પાણીની ચિંતા દુર થતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.
-વૈશાલી પરમાર