નવનિયુકત શહેર-જીલ્લા પ્રમુખોને માર્ગદર્શન: ચૂંટણીની તૈયારીમાં લાગી જવાનું આહવાન
► વિઝન 2027 માં ખેડુતોની સમસ્યાને સામેલ કરવા સહકારી સભાસદો સાથે પણ સંવાદ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પાર્ટીનાં શહેર-જીલ્લા પ્રમુખોની ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબીરનું ઉદઘાટન કરીને માર્ગદર્શન આપ્યુ હતું. મજબુત સંગઠન તથા આગામી ચૂંટણીઓની રણનીતિ ગણાવી હતી. બપોરે દુધ સંઘના સભાસદો સાથે પણ સંવાદમાં સામેલ થયા હતા.કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આજે સવારે વડોદરા એરપોર્ટે આવી પહોંચતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,પૂર્વ પ્રમુખ શકિતસિંહ ગોહીલ વગેરેએ સ્વાગત કર્યું હતું. જયાંથી આણંદ નજીક નવ નિયુકત શહેર-જીલ્લા પ્રમુખો માટેની પ્રશિક્ષણ શિબીરમાં પહોંચ્યા હતા. બેઠકમાં તેઓ પાર્ટી સંગઠન તથા આગામી પંચાયત-કોર્પોરેશન તથા 2027 ની વિધાનસભા ચૂંટણીની રણનીતિ પર જોર આપ્યું હતું. ગુજરાત વિધાનસભાની 2027 ની ચૂંટણીનાં રોડમેપ તૈયાર કરવા બેઠકનો ઉદ્દેશ રહ્યો છે અને તેમાં તેઓએ માર્ગદર્શન આપ્યુ હતું. પાર્ટી દ્વારા ગત મહિને કરાયેલી શહેર-જીલ્લા પ્રમુખો મામલે કેટલાંક સ્થળોએ અસંતોષ મામલાનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો હતો.આગેવાનો-નેતાઓ-કાર્યકરોને રૂબરૂ પણ મળ્યા હતા અને અત્યારથી જ ચૂંટણી તૈયારીમાં લાગી જવાનું આહવાન કર્યું હતું. પક્ષનાં સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ, પ્રભારી મુકુલ વાસનીક જેવા નેતાઓ પણ હાજર હતા.
રાહુલ ગાંધીની ચાર મહિનામાં આ ચોથી મુલાકાત છે અને તેને મિશન 2027 ની ઔપચારીક શરૂઆત ગણવામાં આવી છે. પ્રશિક્ષણ શિબીર સંગઠન સશકિતકરણ તથા જમીની સ્તરનાં લોક પ્રશ્ર્નો પર સંવાદ જેવા કાર્યક્રમો થકી પાર્ટી 2027 ની ચૂંટણી માટે તૈયારીના માહોલ રૂપ ગણવામાં આવે છે. સરકારી-દુઘસંઘનાં સભાસદો સાથેની બેઠકને ખેડુતોની વચ્ચે જવાનું પ્રથમ કદમ ગણવામાં આવે છે.
કોંગ્રેસે સરકારી મોડેલને ખત્મ કરવાનો ભાજપ પર આરોપ લગાવ્યો જ છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે ગુજરાતનું સરકારી મોડલ સમગ્ર દેશ માટે ઉદાહરણ રૂપ હતું પરંતુ ભાજપના હાથમાં સતા પહોંચ્યા બાદ ભ્રષ્ટાચાર અને ગેર વહિવટ વધી ગયા છે. સહકારી-દુધ સંઘોના સભાસદો સાથેની બેઠકમાં પણ આ મુદ્દો હાથ પર લેવામાં આવ્યો હતો. વિઝન 2027 માં ખેડુતોની સમસ્યા સમજતા તથા રણનીતિમાં સામેલ કરવાનો પ્રયાસ મનાય છે.