ડાંગ

ડાંગ જિલ્લામાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ

માહિતી બ્યુરો. આહવા-ડાંગ

માહિતી બ્યુરો. આહવા-ડાંગ, તા : 0૯ : ડાંગ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષની જિલ્લા કક્ષાની
ઉજવણી આહવા ખાતે આદિવાસી સાંસ્કૃતિક ભવનમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલના
અધ્યક્ષસ્થાને અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈનની પ્રેરક ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસભેર થઈ હતી. આ
ઉજવણી પ્રસંગે ડાંગ જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા રૂ. ૧૩૩.૮૧ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ૭૦ કામોનું લોકાર્પણ અને રૂ.
૮૪ લાખના ખર્ચે આગામી દિવસોમાં થનાર ૨૫ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિવિધ યોજના હેઠળ
કુલ.૧૦૩૭ લાભાર્થીઓને રૂ.૧૦૫.૭૩ લાખની સહાય વિતરણ કરી ધામધૂમથી આ ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીની સમસ્ત આદિવાસી બાંધવોને શુભેચ્છા પાઠવી સમારંભના
અધ્યક્ષ સ્થાનેથી વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું કે, ભગવાન બિરસામુંડા એક ક્રાંતિવીર હતા,
એક જનનાયક હતા, જેમણે દેશની આઝાદીની લડતમાં અંગ્રેજો સામે લડત આપી હતી. આજે તેમને આપણે ભગવાનની જેમ
પુંજીયે છે એનું આપણને ગૌરવ હોવું જોઈએ. આ ડાંગની પવિત્ર ભૂમિ મા શબરીની છે. આપણે જે સમાજમાં જન્મ લીધો છે તે
સમાજનું ઋણ ક્યારેય ચૂકવી ન શકીએ. દરેક વ્યક્તિને પોતાના સમાજનું સ્વાભિમાન હોવું જોઈએ. આદિવાસી સમાજના
ઉત્થાનનું કાર્યની શરૂઆત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી હતી. આદિવાસી સમાજ પણ અન્ય
વિકસિત સમાજની હરોળમાં આવે તે માટે નરેન્દ્રભાઈએ રૂ.૧૫ હજાર કરોડની વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મુકતા રસ્તા,
પાણી, વીજળી,સિંચાઈ, શિક્ષણ અને આરોગ્ય સહિત તમામ ક્ષેત્રે વિકાસના નવા અધ્યાયનો પ્રારંભ થયો હતો. જેને રાજ્યના
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગળ વધારી રહ્યા છે અને આ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં ખૂટતી સુવિધાઓ
ઉપલબ્ધ કરાવવા માટે રૂ. એક લાખ કરોડની જોગવાઈ કરી છે.
આદિવાસી સાંસ્કૃતિક ભવનની તકતીનું અનાવરણ કરી ખુશી વ્યક્ત કરતા નાયબ મુખ્ય દંડકશ્રીએ વધુમાં જણાવ્યું કે, પહેલા અહીં
પતરાના શેડમાં કાર્યક્રમો થતા હતા પરંતુ રાજ્ય સરકારે રૂ. છ કરોડ ફાળવતા આધુનિક સુવિધા સાથે આ ભવન આજે લોકાર્પણ
કર્યું છે. આ સિવાય રૂ.૩૦ કરોડના ખર્ચે જિલ્લા પંચાયત ભવન બની રહ્યું છે. આહવા અને વઘઇમાં રૂ. નવ કરોડના ખર્ચે
અદ્યતન લાઈબ્રેરી બની રહી છે. પહેલા ડાંગ જિલ્લામાં એક જ કોલેજ હતી હવે ત્રણેય તાલુકામાં એક એક કોલેજ મંજુર થઈ છે.
પહેલા આરટીઓના કામ માટે વઘઇ જવું પડતું હતું પરંતુ હવે આહવા નવી આરટીઓ કચેરી બનતા તેનું લોકાર્પણ કરાશે. આજે
એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં આદિવાસી સમાજના બાળકોને ભણતા જોઈ આનંદ થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર
આદિવાસી સમાજના વિકાસ માટે અભૂતપૂર્વ કાર્ય કરી રહી છે, જેમાં પ્રજાના સહકારથી ડાંગની કાયાપલટ થશે. ડાંગ જિલ્લામાં
શુધ્ધ પીવાનું પાણી મળે તે માટે કાકરાપાર યોજના દ્વારા રૂ. ૮૬૬ કરોડની પાઇપલાઇન નાખવાની મંજૂરી મળી છે. જેના
દ્વારા જિલ્લાના ૨૭૦ ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળતું થશે. આમ, રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં આદિવાસી
સમાજના કલ્યાણ માટે પુરજોશમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે ત્યારે પાર તાપી નર્મદા લિંક પ્રોજેકટ અને ડેમના નામથી
આદિવાસી બાંધવોને ગુમરાહ કરતા કરતા તત્વોને સ્પષ્ટ શબ્દોમાં નાયબ મુખ્ય દંડકશ્રીએ જણાવ્યું કે, દર વખતે ચૂંટણી આવે
ત્યારે ડેમના નામથી આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આ ભ્રામક પ્રચાર બંધ કરો. જે સાચી વાત છે તે સમાજ
સામે મુકવી જોઈએ, હકીકતમાં આ પ્રોજેકટ વર્ષ ૨૦૨૨ માં સ્થગિત થયેલો છે. આપણી સરકાર ખેડૂતની એક પણ ઇંચ જમીન
જાય તેવું કોઈ કામ કરવા માંગતી નથી. પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે. ડાંગ જિલ્લાની

પ્રજાને કોઈ નુકશાન નહિ થાય તેની ખાતરી આપું છુ. કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિવાસી સમાજ સાથે છે જેથી ભયભીત
થવાની કોઈ જરૂર નથી. સરકારની તમામ સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આ સરકાર સંકલ્પબદ્ધ છે. વધુમાં
તેમણે આગામી તા. ૧૫ નવેમ્બરે ભગવાન બિરસામુંડાના જન્મ દિવસે ડાંગના ત્રણેય તાલુકાઓમાં બિરસામુંડાની મૂર્તિ મુકવામાં
આવનાર છે તે બદલ પ્રાયોજના વહીવટદારશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને પ્રાસંગિક ઉદબોધનમાં ભગવાન બિરસામુંડાને નમન કરી ભારતની
આઝાદીમાં તેમના યોગદાનને બિરદાવી જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ
મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલની રાહબરી હેઠળ ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજના કલ્યાણ માટે અનેકવિધ યોજનાનો
લાભ મેળવી ડાંગ જિલ્લાએ વિકાસની હરણફાળ ભરી છે.
ઇન્ચાર્જ કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.એ. વસાવાએ આજના દિવસની શુભેચ્છા પાઠવી જણાવ્યુ કે
આદિવાસી સમાજનું અસ્તિત્વ તેની સંસ્કૃતિ, રીત રિવાજ, પહેરવેશ અને રહેણી કરણીને આધારે છે. આ સંસ્કૃતિને ટકાવી
રાખવા તેના મૂલ્યોને જાળવવા પડશે તો આવનારી પેઢીને સમૃદ્ધ વારસો આપી શકીશું એવું મનનીય ઉદબોધન કર્યું હતું.
આ ઉજવણીનો પ્રારંભ બિરસામુંડા અને આદિવાસી સમાજના પ્રકૃતિના દેવી દેવતાઓનું પૂજન દ્વારા થયો હતો. સાપુતારા-
ડાંગની જીએલઆરએસ સ્કૂલ, ઇએમઆરએસ સ્કૂલની બાળાઓ અને રાધિકા કલા નૃત્ય મંડળ તેમજ કાલિકા કલા નૃત્ય મંડળ
દ્વારા આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આદિવાસી સાંસ્કૃતિક ભવનની તક્તિનું અનાવરણ નાયબ
મુખ્ય દંડકશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, કલાકારો, રમતવીરો
અને ખેડૂતો મળી કુલ ૨૦ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દિવસની ઉજવણી પ્રસંગે આહવા ગાંધી ઉધાન થી
આદિવાસી સાંસ્ક્રુતિક ભવન સુધી પરંપરાગત વાજિંત્રો સાથે વિશાળ રેલી નીકળી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ પ્રસંગે ડાંગ જિલ્લાના ૩ રાજવીઓ, વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ચંદેર ગાવિત, આહવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ
શ્રી કમલેશ વાઘમારે, જિલ્લા પંચાયત શિક્ષણ સમીતીના ચેરમેન શ્રીમતી બીબીબેન ચૌધરી, આહવા ગ્રામ પંચાયતના સરપંચશ્રી
હરિચંદ ભોયે, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી કિશોરભાઇ ગાવિત, આદિજાતિ મોરચા પ્રમુખશ્રી સુભાષ ગાઈન, પ્રાંત અધિકારી કાજલ
આંબલિયા સહિત જિલ્લાના અધિકારી-પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉપસ્થિત રહ્યો હતો.
સ્વાગત પ્રવચન પ્રાયોજના વહીવટદારશ્રી આનંદ પાટીલે કર્યું હતું. આભારવિધિ આહવા ડાંગના TASP ના મદદનીશ કમિશ્નરશ્રી
એમ.આર.વસાવાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્મિતા પટેલ, બકુલેશ દાસ અને સંજયભાઈએ કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!