રિસોર્ટમાં ચાલી રહેલા નકલી એમેઝોન સપોર્ટ સેન્ટરનો પર્દાફાશ, 5 સાયબર માફિયા ઝડપાયા
યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ -નાસિક (મહારાષ્ટ્ર)

સીબીઆઇએ મહારાષ્ટ્રમાં નાસિકમાં આવેલા એક રિસોર્ટમાં એમેઝોન ટેક્નિકલ સહાયતા કેન્દ્ર ના નામથી ચાલી રહેલા સાયબર માફીયાઓની એક ટોળકીને ઝડપી પાડીને તેમના કૃત્યોનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઇએ પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે જે કથિત રીતે અમેરીકી અને કેનેડાના નાગરીકોને નિશાન બનાવી રહ્યા હતા. સીબીઆઇએ 1.20 કરોડની રોકડ તથા 500 ગ્રામ સોનુ તથા 1 કરોડની કિંમતની સાત લક્ઝયુરીયસ કાર તથા ક્રીપ્ટોકરન્સીની મદદથી 5 હજાર ડોલરની લેવડ દેવડ તથા 2 હજાર કેનેડાઇ ડોલરના ગીફ્ટ વાઉચર પણ જપ્ત કર્યા હતા.
મુંબઇના 6 આરોપીની એક ટોળકી આમાં સામેલ
તપાસમાં બહાર આવ્યું હતું કે મુંબઇના 6 આરોપીની એક ટોળકી આમાં સામેલ હતી. જેમના નામ એફઆઇઆરમાં નોંધવામાં આવ્યા છે અને તે સિવાય અજ્ઞાત બેંક અધિકારીઓ અને કેટલાક ખાનગી વ્યક્તિઓ પણ આ ષડયંત્રમાં સામેલ હતા
એમેઝોન સપોર્ટ સર્વિસ કોલ સેન્ટરના નામે ઠગાઇ
સીબીઆઇના અધિકારીએ કહ્યું કે તેમને નાસિક ના ઇંગતપુરી સ્થિત રેન ફોરેસ્ટ રિસોર્ટમાં એમેઝોન સપોર્ટ સર્વિસ કોલ સેન્ટર ચાલી રહ્યું છે અને આ ગેરકાયદેસર કોલ સેન્ટર ફિશીંગ કોલ કરીને કથિત રીતે લોકો સાથે છેતરપીંડી કરી રહ્યું છે.તેવી બાતમી મળી હતી.
અમેરિકા અને કેનેડાના નાગરીકોને ઠગ્યા
આ ટોળકીએ સાયબર ક્રિમીનલ નેટવર્ક સાથે મળીને અમેરિકા અને કેનેડાના નાગરીકોને ઠગ્યા હતા જેમાં 60 ઓપરેટરો પણ સામેલ છે. આ ઓપરેટરોને ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવવા તથા ગીફ્ટ કાર્ડ અને ક્રિપ્ટો કરન્સીના માધ્યમથી છેતરપીંડી કરીને આવક મેળવવા ભરતી કરાયા હતા.
5 આરોપી ઝડપાયા
સીબીઆઇને તપાસ દરમિયાન એવી પણ માહિતી મળી હતી કે કોલ સેન્ટરમાં 62 કર્મચારી કામ કરી રહ્યા હતા અને વિદેશી નાગરીકો સાથે ઠગાઇ કરી રહ્યા હતા. એજન્સીએ વિશાલ યાદવ, શહબાઝ , દુર્ગેશ, અભય ઉર્ફે રાજા તથા સમીર ઉર્ફે કાલીયા ઉર્ફે સોહેલ નામના શખ્સની ધરપકડ કરી હતી.