તો અનામત ઉમેદવાર સામાન્ય બેઠક પર દાવો કરી શકે નહીંઃ સુપ્રીમ કોર્ટ ભરતીના નિયમો અંતર્ગત કેટેગરી બદલવાની છૂટ ના મળી હોય તો અનામત ઉમેદવારનો દાવો ટકી શકે નહીં
નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતું કે, ભરતી પ્રક્રિયા દરમિયાન જનરલ કેટેગરીના ઉમેદવારો સાથે સ્પર્ધા કરવા માગતા અનામત કેટેગરીના ઉમદવારોએ ફીમાં રાહત અને વયમર્યાદામાં છૂટનો લાભ મેળવ્યો હોય તો સિલેક્શન પ્રક્રિયા દરમિયાન તેઓ બિનઅનામત કેટેગરીની બેઠક પર દાવો કરી શકે નહીં. અલબત્ત ભરતીના નિયમો અંતર્ગત આ પ્રકારની છૂટ અપાઈ હોય તો અનામત ઉમેદવારને કેટેગરી બદલવાની મંજૂરી મળી શકે.
જસ્ટિસ સૂર્યા કાંત અને જસ્ટિસ જોયમલય બાગચીની બેન્ચે ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા થયેલા હુકમ સામે સુનાવણી હાથ ધરી હતી. જેમાં હાઈકોર્ટના હુકમને યથાવત રાખીને કેટલાક મહત્ત્વના અવલોકન કર્યા હતા. સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યુ હતું કે, ઓપન કોમ્પિટિશનમાં જનરલ કેટેગરીના ઉમેદવારો સાથે અનામત કેટેગરીના ઉમેદવારે અરજી કરી હોય અને તેમાં ફી-વયમર્યાદામાં રાહત મેળવી હોય તો તેમને બિનઅનામત બેઠકો પર સમાવવાનો નિર્ણય દરેક કેસના તથ્યો મુજબ અલગ-અલગ હોઈ શકે છે.
સર્વોચ્ચ અદાલતે વધુમાં સ્પષ્ટતા કરતા નોંધ્યુ હતું કે, ભરતીના નિયમો અથવા ભરતીના નોટિફિકેશનમાં આવો
કોઈ પ્રતિબંધ ન રખાયો હોય અને અનામત કેટેગરીના ઉમેદવારને જનરલ કેટેગરીની યાદીમાં આવેલા છેલ્લા ઉમેદવાર કરતાં વધુ સ્કોર મળ્યો હોય તો તેઓ પોતાની કેટગરી બદલી શકે છે અને બિન અનામત બેઠકમાં ભરતી માટે યોગ્ય ઠરી શકે છે.
સંબંધિત ભરતીના નિયમોમાં કેટેગરી બદલવા સામે પ્રતિબંધ મૂકાયો હોય તો જનરલ કેટેગરીમાં સ્થળાંતર કરવાની મંજૂરી આપી શકાય નહીં. પ્રસ્તુત કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રની અરજીની સુનાવણી હાથ ધરી હતી, જેમાં હાઈકોર્ટે અરજદારોને રાહત આપી હતી. ઓબીસી કેટેગરીના ઉમેદવારે કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયામાં ઉંમરમાં રાહત મેળવી હતી. જો કે ઓબીસી કેટેગરીમાં પસંદગી પામેલા છેલ્લા ઉમેદવાર કરતાં તેના સ્કોર ઓછા હતા. જેથી તેને નાપાસ જાહેર કરાયો હતો. બીજી બાજુ જનરલ કેટેગરીમાં પાસ થયેલા છેલ્લા ઉમેદવાર કરતાં તેનો સ્કોર વધુ હતો.