
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓએ ભાવનગરમાં રોડ-શો કરીને સભાને સંબોધન કર્યું હતું અને કરોડોના વિકાસ કામોના વર્ચ્યુલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં જામનગર- શહેર જિલ્લાના પાંચ જેટલા મેગા વિકાસ પ્રોજેકટનો પણ સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદી આજે સવારે ભાવનગર એરપોર્ટ આવી પહોંચ્યા હતા. અહીં મંત્રી મંડળ, ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો દ્વારા પીએમનું સ્વાગત કરાયું હતું. ત્યાંથી કોન્વોય સાથે મહિલા કોલેજ સર્કલ પહોંચ્યા બાદ વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાયો હતો.
જામનગર શહેર-જિલ્લાના રૂ. ૮૩૩ કરોડ સહિત વડાપ્રધાને ભાવનગર સહિતના કુલ રૂ. એક લાખ કરોડથી વધુના વિકાસકામોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત પછી વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન પોતાના જન્મદિનની ઉજવણી દરમિયાન થયેલા વિવિધ સેવાકાર્યોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આપણે ચીપ હોય કે શીપ, આત્મનિર્ભર બનવુ જ પડશે. વડાપ્રધાને આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયુ તે વિકાસકામોને કારણે લોકોને થનારા ફાયદા પણ વર્ણવ્યા હતાં.
જન્મ દિવસની શુભકામનાઓ પાઠવનાર સૌ કોઈનો આભાર માનતા વડાપ્રધાન મોદીએ વર્ષ-૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો રોડમેપ સમજાવ્યો હતો.
જામનગર શહેર-જિલ્લામાં વડાપ્રધાનના હસ્તે રૂ. ૫૨૫.૧૦ કરોડના ખર્ચે ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું ઈ-ખાતમુહૂર્ત, અંદાજિત રૂ. ૨૦૦ કરોડના ખર્ચે જામનગર જિલ્લામાં વિવિધ લોકેશન પર પી. એમ. કુસુમ કમ્પોનન્ટ- સી ફીડર લેવલ સોલરાઈઝેશન યોજના હેઠળ કમિશન થયેલા ૧૭ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ, રૂ.૨૫ કરોડના ખર્ચે ભૂજીયા કોઠાના રીસ્ટોરેશન (ફેઝ-૧) નું ઇ-લોકાર્પણ, રૂ.૪૧.૮૯ કરોડના ખર્ચે હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ અને રૂ.૪૧.૭૭ કરોડના ખર્ચે ખંભાળિયા રોડ પર સ્પોર્ટસ કોમ્પલેક્ષ (ફેઝ-૧) બનાવવાના કામનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
્વડાપ્રધાને પાલિતાણાના બડેલી ગામે સરકારી પડતર જમીન પર ર૭૦ કરોડના ખર્ચે ૪પ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ, ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૦૩ કરોડના ખર્ચે હયાત વીજ લાઈનના વીજ વાયરને બદલી મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર્સ લગાવવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, સર ટી, હોસ્પિટલ માટે પ૮૩.૯૦ કરોડના ખર્ચે ટીચિંગ હોસ્પિટલ અને એમસીએચ બ્લોકના બાંધકામ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, ર૬૭.૧૭ કરોડના ખર્ચે ભાવનગરના કુંભારવાડામાં ૪પ એમએલડી ક્ષમતાના નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટું નિર્માણ, કુંભારવાડાથી દસનાળા સુધીના ફોરલેન પેવર રોડ અને વરતેજ ગામે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છે.
તદુપરાંત ૪૭૦૦ કરોડના ખર્ચે છાશા બંદર પર નિર્મિત એચપીએલએનજી, એલએનજી રિગેસિફિકેશન ટર્મિનલ, વડોદરાની ગુજરાત રિફાનરીમાં પ૮૯૪ કરોડના ખર્ચે નિર્મિત ઈન્ડિયન ઓઈલના એકેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું લોકાર્પણ, સુરેન્દ્રનગરમાં નિર્મિત ૧પ૦૦ કરોડના ખર્ચે મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ૪૪૦.૭ કરોડના ખર્ચે વિવિધ રસ્તાઓની પહોળાઈ વધારવી, રસ્તાઓનું મજબૂતિકરણ, જેતપુર બાયપાસ મિસિંગ લિંક રોડ પર રેલવે ઓવરબ્રિજનું બાંધકામ વિગેરે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ ગામે પ૬ કરોડના ખર્ચે ચાંચ એન્ટી-સી ઈરોઝન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, જૂનાગઢ-વંથલી સુધારણા જુથ પાણી પુરવઠા યોજનાનું ૩૮.ર૭ કરોડના ખર્ચે લોકાર્પણ, ગીર સોમનાથ જિલ્લાના ધાભળેજમાં ૩૯.૪૬ કરોડના ખર્ચે તૈયાર થનાર ફિશ લેન્ડિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત, સૌર ઊર્જા સંચાલિત ધોરડો ગામનું લોકાર્પણ, ભાવનગર, બોટાદ સહિત રાજ્યના ૧૭ જિલ્લામાં ૧૬૬૯ કરોડના ખર્ચે પીએમ કુસુમ યોજના અંતર્ગત ૪પ૭ મેગાવોટના આશરે ૧૭ર ડિસેન્ટ્રલાઈઝ્ડ સોલાર પાવર પલાન્ટ્સનું લોકાર્પણ કર્યું હતું.
યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે કચ્છના ઘોરડો ગામને સમાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફત બીજલી યોજના હેઠળ ધોરડો ગામમાં ૧૦૦ ટકા રહેણાક હેતુના વીજ જોડાણનું સોલરાઈઝેશન થયું છે. ભાવનગરના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના હસ્તે સૌર ઊર્જા સંચાલિક ધોરડો ગામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.