તાપી જિલ્લામાં “ભૂલકા મેળો-પોષણ ઉત્સવ અને ૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ભવ્ય ઉજવણી
તાપી જિલ્લા માહિતી બ્યુરો & ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ તાપી

તાપી જિલ્લામાં “ભૂલકા મેળો-પોષણ ઉત્સવ અને ૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ભવ્ય ઉજવણી
–
તાપી જિલ્લાના વ્યારા સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે આઇ.સી.ડી.એસ. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આયુર્વેદ વિભાગના સંયુક્ત ઉપક્રમે “ભૂલકા મેળો”, “પોષણ ઉત્સવ” તથા ૧૦મો “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ભવ્ય રીતે ઉજવણી કરાઇ હતી.
કાર્યક્રમની અધ્યક્ષતા ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ કરી હતી. ધારાસભ્યશ્રી પોતાના સંબોધનમાં જણાવ્યું કે પોષણ ઉત્સવ અંતર્ગત ટી.એચ.આર. તથા મિલેટ્સનો દૈનિક આહારમાં ઉપયોગ થકી જનજાગૃતિ ફેલાવવી અગત્યની છે. આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવતી પાયાની કામગીરી પ્રશંસનીય છે. બાળકો તથા વાલીઓને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીએ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસના ભાગરૂપે આયુર્વેદનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. બાળકો દ્વારા સ્વાગત ગીત રજુ કરાયું હતુ. પોષણ ટોકરી તથા આયુષ કીટ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું.
આંગણવાડી કક્ષાએ પા-પા પગલી યોજના અંતર્ગત બાળકોમાં રહેલી કુશળતાઓ બહાર લાવવા માટે વિવિધ કૃતિઓ રજૂ કરાઈ હતી. આંગણવાડી કાર્યકર બહેનોએ થીમ આધારિત ટી.એલ.એમ. પ્રદર્શિત કર્યા, જ્યારે પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટરે શિક્ષણમાં સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી હતી.
પોષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે ટી.એચ.આર. તથા મિલેટ્સથી બનેલી વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધા યોજાઈ હતી. વાનગીઓમાં રહેલા પોષણ મૂલ્યો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના ગામડાં સુધી પૌષ્ટિક ખાદ્યપદાર્થોનું મહત્વ પહોંચાડવાનો અને તેને રોજિંદા જીવનમાં અપનાવવાનો હતો.
રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિતે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ,આયુષ પ્રદર્શન, ઔષધિય રોપાનું તથા આયુષ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં લોકોએ આયુર્વેદ સેવાનો લાભ લીધો.
અંતે ભુલકાઓની કૃતિઓ, પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર અને આંગણવાડી કાર્યકર બહેનોને ટી.એલ.એમ. વિજેતા તથા વાનગી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ તથા યુવા પ્રવૃતિ વિભાગ અધ્યક્ષ તૃપ્તિબેન વી. પટેલ, જિલ્લા ઉપપ્રમુખ મધુબેન બી. ગામીત, વ્યારા પ્રાંત અધિકારીશ્રી સંદિપ ગાયકવાડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરતભાઇ ચાવડા તેમજ અન્ય અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..