નવસારી જિલ્લા ભાજપા મહિલા મોરચા દ્વારા બીલીમોરામાં મહિલા આરોગ્ય હેલ્થ ચેક અપ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો.
અહેવાલ ; પ્રિતેશ પટેલ. (નવસારી જિલ્લા બ્યુરો ચીફ)

સેવા પખવાડીયા અંતર્ગત રોટરી ફાઉન્ડેશનના સહકારથી ભારતીય જનતા પક્ષ મહિલા મોરચા દ્વારા બીલીમોરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશાળ મહિલા આરોગ્ય હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન થયું. આ કેમ્પનો હેતુ મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ લાવવો અને ખાસ કરીને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું વહેલી તકે નિદાન કરવાનું હતું.
કાર્યક્રમમાં ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ, પ્રદેશ કારોબારી અમિતાબેન, બીલીમોરા શહેર પ્રમુખ નીરવ ટેલર, ડૉ. સિરીઝભાઈ ભટ્ટ, નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ, ઉપપ્રમુખ તેજલબેન જોશી તથા જિલ્લા મહિલા મોરચા મહામંત્રી સુમિત્રાબેન પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત આગેવાનો દ્વારા તબીબી ટીમને પ્રોત્સાહન અપાયું તેમજ મહિલાઓને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા સંદેશ આપવામાં આવ્યો.
કેમ્પમાં બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ, સર્વાઇકલ કેન્સર પેપ સ્મિયર ટેસ્ટ, ઓરલ કેન્સર તપાસ, બ્લડ પ્રેશર, શુગર અને હિમોગ્લોબિન જેવી તપાસની સુવિધાઓ પૂરી પાડવામાં આવી. નિષ્ણાત તબીબોએ પ્રાથમિક લક્ષણો, સમયસરની તપાસ તથા જીવનશૈલીમાં અપનાવવાના બદલાવ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે કેન્સરની સારવાર શરૂઆતના તબક્કે ૮૦ થી ૯૦ ટકા સફળ રહે છે, તેથી સમયસર તપાસ ખૂબ જ અગત્યની છે.
કાર્યક્રમમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલે જણાવ્યું કે “મહિલા સમાજ સ્વસ્થ રહેશે તો જ દેશ મજબૂત બનશે,” જ્યારે અમિતાબેનએ ભારપૂર્વક કહ્યું કે “મહિલાઓએ નિયમિત આરોગ્ય ચેક અપને જીવનશૈલીનો ભાગ બનાવવો જોઈએ. તેમજ ડોક્ટર સિરીઝ ભાઈ ભટ્ટ દ્વારા રોગના વિશે માહિતી આપી અને ચેકઅપ નિદાન માટે મહિલા બહેનોને સમજાવવામાં આવ્યા હતા” તેમજ ભાજપ શહેર પ્રમુખ નીરવ ટેલરએ રોટરી ફાઉન્ડેશનના યોગદાનને વખાણતા સમાજમાં આવા કેમ્પો સતત યોજાય તેવી માંગણી કરી.
કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી અને પહેલીવાર વિગતવાર કેન્સર સ્ક્રિનિંગમાં જોડાઈને પોતાનાં આરોગ્ય અંગે જાગૃતિ મેળવી.
રોટરી ફાઉન્ડેશન દ્વારા તબીબી સાધનો અને નિષ્ણાતોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સેવા પખવાડીયાના અવસરે યોજાયેલા આ આરોગ્ય કેમ્પે “સેવા હી સંકલ્પ” ના સંદેશને સાકાર કરતાં બીલીમોરા તથા ગણદેવી ,ચીખલી, વાંસદા , આસપાસના વિસ્તારોમાં મહિલા આરોગ્ય જાગૃતિનો નવો પ્રેરણાદાયક પ્રારંભ કર્યો છે.