
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીકટિયા,વાંગણ,સતી જેવા અનેક ગામોમાં ખાપરી નદીના ગત અઠવાડિયે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના લીધે મધ્યરાત્રીએ આવેલ વિનાશકારી પુરમાં ખુબ જ ઊંઘમાં જ લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરી,ગાય ભેંસ સહિત પશુધન તણાય ગયેલ અને જાનહાની પણ થયેલ.એ બાબતે ઘટનાસ્થળે પરિસ્થિતિનો કયાસ મેળવવા સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજયના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયાની આગેવાનીમાં ડાંગમાં ખુબ જ લોકપ્રિય વરિષ્ઠ તબિબ ડો.એજી પટેલ,નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ પટેલ,ભાવિક,પ્રદીપભાઈ નિવૃત આચાર્ય,રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર કૌશિક જાદવ,કિરણ બાગુલ સાથે મળીને પહોંચ્યા હતાં.સરપંચ રવિન્દ્રભાઈ અને મધુભાઈએ સમસ્ત આદિવાસી સમાજની ટીમના સભ્યોને અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરાવી હતી.મહેશભાઈ વાઘેરા નામના ખેડૂતની ઘણી ગાય ભેંસ તણાયને મરણ પામી હતી.તેમજ ઘણા પરિવારોના ઘરોમાં પાણી ભરાય જતાં ઘરો જમીનદોસ્ત થયા હતાં અને હનુમાન મંદિર પણ સંપૂર્ણ નષ્ટ થયું હતું.તેવા પરિવારોને તાડપત્રી,ધાબળા,થાળી-વાટકી-ચમચીની સહાય પૂરી પાડેલ હતી.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે અમે ઘણી જગ્યાઓની મુલાકાત લીધી તેમાં અમુક જગ્યાએ રસ્તાઓ પૂરતા નહીં હોવાથી મોટી ગાડીઓ જઈ શકે એમ નહીં હોવાથી લાંબુ અંતર કાપીને ચાલીને ગયા હતાં.ત્યાં જઈને પીડિતો સાથે મુલાકાત કરતા પરિવારજનોએ આટલા લાંબા સમયથી હજુસુધી કોઈપણ સરકારી સહાય નહીં મળ્યાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.આ બાબતે ડાંગ કલેકટરને અમારી અપીલ છે કે પૂરપીડિત પરિવારોને ઇમરજન્સી રિલીફ ફંડમાંથી તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવે જેનાથી તેઓની જિન્દગી ફરીથી પાટે ચડી શકે.તેમજ કુદરતી નૈસર્ગીક સંપદાઓથી ભરપૂર ડાંગમાં જો યોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો દરેક ગામમાંથી સરિતાબેન ગાયકવાડ અને મુરલીભાઇ ગાંવિત જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના એથલેટ્સ પેદા થઇ શકે એમ છે જેઓ ભવિષ્યમાં દેશનું નામ દુનિયામાં રોશન કરી શકે છે તો એ દિશામાં સઘન પ્રયાસો હાથ ધરવા જોઈએ.