વડાપ્રધાન મોદી આજે બપોરે હિરાસર એરપોર્ટ પર કરશે ટુંકુ રોકાણ, હેલીકોપ્ટર મારફતે સોમનાથ જશે
માહિતી બ્યુરો રાજકોટ ગાંધીનગર

રીજીયોનલ વાઈબ્રન્ટ સમિટ માટે ગાંધીનગરથી સચિવો-અધિકારીઓનું આગમન
વડાપ્રધાન મોદી આજે બપોરે હિરાસર એરપોર્ટ પર કરશે ટુંકુ રોકાણ, હેલીકોપ્ટર મારફતે સોમનાથ જશે
વડાપ્રધાનના સ્વાગત માટે મુખ્યમંત્રી-ગૃહમંત્રી સહિતના રાજય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેવાની શકયતા: વાઈબ્રન્ટમાં રાજય સરકારના વિવિધ વિભાગો અને જામનગર વનતારાની ઝાંખી જોવા મળશે: 350 અધિકારીઓ-કર્મચારીઓનો કાફલા ઉતારતા કલેકટર.
સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથના સ્વાભિમાન પર્વ તેમજ રાજકોટની મારવાડી યુનિ. ખાતે આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ સમિટ સૌરાષ્ટ્ર-કચ્છ 2026માં સહભાગી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા હોય આ અંગેની તૈયારીઓને વહીવટી તંત્ર દ્વારા ઓખરીઓપ આપી દેવામાં આવેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરના 3-30 વાગ્યાની આસપાસ ખાસ ફલાઈટમાં રાજકોટના આંતરરાષ્ટ્રવીય ગ્રીનફિલ્ડ હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે. જે બાદ તેઓ 10 મિનીટનું ટુંકુ રોકાણ કરી તેઓ હેલીકોપ્ટર મારફત યાત્રાધામ સોમનાથ જવા રવાના થનાર છે.
આ પ્રસંગે હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. વડાપ્રધાનના સ્વાગતમાં રાજય સરકારના કેબીનેટ મંત્રીઓ તેમજ રાજકોટ કલેકટર ડો.ઓમપ્રકાશ સહિત ટોચના સનંદી અધિકારીઓ જોડાનાર છે. અહીં એ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના સ્વાગત માટે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજયના મંત્રી મનીષાબેન વકિલ સહિતના આઠ કેબીનેટ મંત્રીઓ રાજકોટના હિરાસર એરપોર્ટ પર ઉપસ્થિત રહે તેવી શકયતા છે.
બીજી તરફ રાજકોટની મારવાડી યુનિ. ખાતે રવિવારથી પ્રારંભ થનારી રીજીયોનલ વાઈબ્રન્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર હોય આ અંગેની તમામ તૈયારીઓ પરીપૂર્ણ કરી દેવામાં આવી છે. વાઈબ્રન્ટ સમિટ માટે જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા 350 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો ઉતારી દેવામાં આવેલ છે.
આ વાઈબ્રન્ટ સમિટ માટે જીલ્લા કલેકટર ઓમપ્રકાશ દ્વારા વિવિધ 22 જેટલી કમીટીઓની રચના કરી આ કમીટીના વડા અને સદસ્યોને વિશેષ જવાબદારી સોપી દેવામાં આવી છે. વાઈબ્રન્ટ સમિટના સ્થળનો એસપીજી કમાન્ડોએ કબ્જો સંભાળી લીધો છે. વડાપ્રધાન માટે સજજડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. 26400 ચો.મી. વિસ્તારમાં આ વાઈબ્રન્ટ સમિટમાં પ્રદર્શન યોજાશે. જેમાં 4400 ચો.મી. વિસ્તારમાં ખાસ પેવેલીયન તૈયાર કરવામાં આવેલ છે.
આ ઉપરાંત છ જેટલા આધુનિક ડોમ તૈયાર કરવામાં આવેલ છે. આ રીજીયોનલ સમિટમાં રાજય સરકારની વિવિધ વિભાગોના સ્ટોલ ઉપરાંત જામનગર વનતારાની ઝાંખી પણ લોકોને જોવા મળશે. આ સમિટમાં 40 દેશોના રાજપુરૂષો, ઉદ્યોગપતિઓ હાજરી આપશે. તેમજ ભારત સહિતના વિવિધ 23 દેશોમાંથી રજીસ્ટ્રેશન મળેલા છે. વાઈબ્રન્ટ સમિટ માટે રાજય સરકારના સચિવો સહિતના 100 જેટલા ઉચ્ચ સનંદી અધિકારીઓને વિશેષ જવાબદારી સોપવામાં આવી હોય આ અધિકારીઓનું આજથી રાજકોટ ખાતે આગમન થવા લાગ્યું છે.