બારામતીમાં દુર્ઘટના સ્થળે એફએસએલની ટીમ પહોંચીઃ કાટમાળમાં શોધખોળ અજિત પવારનો ભોગ લેનાર વિમાનના પાયલોટે છેલ્લે કંટ્રોલ ગુમાવી દીધો હતો
મુંબઇ સાભાર સા.સ.ટીમ એન્ડ યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ

મુંબઇ,ગઇકાલે બારામતી પાસે દુર્ઘટનાગ્રસ્ત થયેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાનની છેલ્લી 35 મીનીટની માહિતી બહાર આવી છે. ગઇકાલે સવારે 8.10 કલાકે મુંબઇથી ઉપડેલ આ વિમાનમાં પવાર સહિતના પાંચ લોકો હતા અને બારામતીના વિમાની મથકે હવામાનમાં વિમાન ફસાઇ ગયું હતું.
ઓછી વિઝિબીલીટી તથા ગાઢ ધુમ્મસના કારણે પાયલોટને રનવે દેખાતા ન હતા અને તેથી પ્રથમ વખત તેણે લેન્ડીંગનો પ્રયાસ કર્યો તે નિષ્ફળ ગયા બાદ ફરી એક વખત કરાયેલા પ્રયાસ દરમ્યાન વિમાન રનવે સાથે અથડાયા બાદ ધડાકાભેર તૂટી પડ્યું હતું અને તેમાં આગ લાગી હતી.
જે પ્રાથમિક માહિતી બહાર આવી છે તેમાં વિમાન 100 મીટર જેટલું જ રનવેથી ઉપર હતું તે સમયે જ પાયલોટે તેનો ક્નટ્રોલ ગુમાવી દીધો હતો અને વિમાન ત્રાસુ થઇ ગયું હતું તથા તેની ચાચ પૂર્ણ રીતે જમીન તરફ થઇ ગઇ હતી.
પાયલોટ માટે ત્યાર પછી બચવાની કોઇ શક્યતા જ ન હતી અને વિમાન પોતાના વજનથી જમીન સાથે અથડાયું હતું. આ અંગે હવે ફોરેન્સીક ટીમ દુર્ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને વિમાનના કાટમાળમાંથી બ્લેક બોક્સ તથા ફ્લાઇટ ડેટા રોકર્ડર પણ હાથ કર્યા છે જે હવે એવીએશન લેબમાં તપાસ માટે મોકલાશે.
આ ઉપરાંત કોકપીટ વોઇસ રેકોર્ડર પણ મેળવાયું છે જેથી છેલ્લી ઘડીએ પાયલોટ વચ્ચે શું વાતચીત થઇ તે પણ બહાર આવી જશે. આમ તપાસમાં હવે આગામી દિવસોમાં ગતિ આવશે તે નિશ્ચિત છે.
વિમાની દુર્ઘટનાઃ રૂા.50 કરોડનો દાવો થશે
મુંબઇ, તા.29
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનો ભોગ લેનાર વિમાની દુર્ઘટનામાં રૂા.50 કરોડનો વીમા દાવો થશે. આ વિમાન આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ દ્વારા તેનો વિમો લેવાયો હતો અને તેમાં વિમાન ઉપરાંત તેમાં મુસાફરો અને પાયલોટ તમામના વિમા આવરી લેવાયા હતા.
કંપનીએ તે હાલમાં જ પોલીસી રીન્યુ કરી હતી જેમાં 9 સીટર આ પ્રાઇવેટ વિમાનમાં કુલ 50 કરોડનો વિમા દાવો થાય તેવી શક્યતા છે. ગત તા.10 જાન્યુઆરીના ઝારખંડમાં એક નાનુ ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તેમાં રૂા.18 કરોડનો દાવો થયો હતો.
દુર્ઘટનાગ્રસ્ત વિમાન સુરતમાં પાર્ક થતું હતું
ગઇકાલે બારામતીમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલું વીએસઆર વેન્ચર લી.નું વિમાન જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે સુરતના એરપોર્ટ પર પાર્ક થતું હતું. મુંબઇમાં એરપોર્ટ પાર્કિંગ મોંઘુ હોવાથી કંપની દ્વારા સુરતમાં પાર્કિંગ સ્લોટ મેળવાયા હતા અને દુર્ઘટનાના બે દિવસ પૂર્વે તા.25-26ના તે સુરતમાં જ પાર્ક હતું અને તા.28એ અજિત પવારનો પ્રવાસ હોવાથી તે સુરતથી મુંબઇ પહોંચ્યું હતું. સા.સ.ટીમ



