ગુજરાતના ગૃહ વિભાગે પોલીસ વિભાગનું સાયબર સેલ લોકોની સાયબર ફ્રોડની ત્વરિત ફરિયાદનો નિરાકરણ લાવે છે. ત્યારે નર્મદા જિલ્લા સાયબર સેલના જ એક પોલીસ કોન્સ્ટેબલ કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
રાજપીપળા પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, છેલ્લા એકાદ વર્ષથી રાજપીપળા પોલીસના સાયબર સેલમાં કામ કરતા પોલીસકર્મી લક્ષ્મણ ચૌધરી કોઈની પણ ફરિયાદ વગર જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓની જાણ બહાર સરકારી મેલ આઇડી પરથી જે પણ માલેતુજાર હોય એના બેન્ક ખાતા બંધ કરવા માટે જે તે બેન્કોને મેલ દ્વારા જાણ કરતો હતો. હવે પોલીસ વિભાગના સરકારી મેલ દ્વારા જાણ થતા જે તે બેન્કે ખાતા બંધ કરી દેતી હતી.
હવે જેના બેન્ક ખાતા બંધ થાય એ પોતાની ફરિયાદ નોંધાવા માટે રાજપીપળા સાયબર સેલમાં આવતા હતા. જે પણ આવી ફરિયાદ માટે સાયબર સેલમાં આવે તેની પાસેથી આ પોલીસકર્મી રૂપિયાની માંગણી કરતો હતો.
આ બાબતની જાણ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબેને થતા તેમણે તપાસ એ.એસ.પી લોકેશ યાદવને સોંપી હતી. છેલ્લા 3 મહિનાની તપાસ બાદ સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીએ સાયબર ફ્રોડ કર્યું હોવાનો રિપોર્ટ જિલ્લા પોલીસ વડાને કર્યો હતો.
નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબેએ આ બાબતે રેન્જ આઇજી અને ડીજીપી તથા ગૃહ વિભાગને જાણ કરી હતી. ત્યાંથી આ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની સૂચના મળતા લક્ષ્મણ ચૌધરી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
આ મામલે વધુ તપાસ નર્મદા એસઓજી પોલીસ કરી રહી છે. રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે, ‘લક્ષ્મણ ચૌધરીએ કેટલા રૂપિયાની સાયબર ફ્રોડ કર્યું છે એ જાણવા મળ્યું નથી. પરંતુ લક્ષ્મણ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.આ ગંભીર ગુનામાં નર્મદા પોલીસે તપાસ ચાલુ કરી દીધી છે.’