Uncategorized

લાંબા સમયથી અટકી રહેલી નવા સંગઠનની રચનામાં ભાજપે હવે વીજળીક ઝડપ લાવી

પ્રતિનિધિ નવી દિલ્હી

બે દિવસમાં 8 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરતું ભાજપ : ગુજરાત – યુપી હજુ રાહમાં

આ સપ્તાહના અંતે અથવા તો આગામી સપ્તાહમાં ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવે તેવા સંકેત : નવા નામના મેન્ડેટ સાથે જ આવશે : ઉત્તરપ્રદેશમાં યોગી પર નજર : તા.15 સુધીમાં ભાજપને નવા રાષ્ટ્રીય પ્રમુખ મળી જાય તેવા સંકેત

લાંબા સમયથી અટકી રહેલી ભાજપની સંગઠન પ્રક્રિયાને અચાનક જ ફાઇનલ ગીયરમાં નાખતા પક્ષે રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની વરણી માટે રાજ્યના પ્રદેશ પ્રમુખોની નિયુકિત ઝડપી બનાવી છે અને ગઇકાલે જ પૂરા એક દિવસમાં ભાજપે છ રાજયોમાં નવા પ્રદેશ પ્રમુખ નીમીને હવે આગામી એક-બે દિવસમાં વધુ બેથી ત્રણ રાજયોમાં પણ નવા પ્રદેશ પ્રમુખ મળે તેવા સંકેત છે.

જોકે હજુ જ્યાં સૌથી વધુ પેચ ફસાયેલો છે તેવા ઉત્તરપ્રદેશ, ગુજરાત અને કર્ણાટક જેવા રાજયોમાં ભાજપે નવા પ્રદેશ પ્રમુખની નિયુકિત અંગે કોઇ સંકેત આપ્યો નથી. રાષ્ટ્રીય પ્રમુખની નિયુકિત માટે ભાજપના અર્ધાથી વધુ એટલે કે ઓછામાં ઓછા 19 રાજયોમાં નવું સંગઠન હોય તે જરૂરી છે. પક્ષની માન્યતા પ્રાપ્ત 37 રાજય એકમો છે અને તેમાંથી પક્ષ આગામી એક-બે દિવસમાં 26 રાજયોમાં પ્રદેશ પ્રમુખ નિયુકત થઇ જશે.

આ માસના મધ્યમાં જ નવા રાષ્ટ્રીય પ્રમુખ પણ ભાજપને મળી જશે તેવા સંકેત છે. ગઇકાલે જ ભાજપે હિમાચલ પ્રદેશમાં રાજીવ બીંદલને ફરી એકવખત પ્રદેશ પ્રમુખની જવાબદારી આપી છે જયારે મહારાષ્ટ્રમાં હાલ કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ બજાવી રહેલા રવિન્દ્ર ચવ્હાણને હવે ફુલટાઇમ આ જવાબદારી સોંપવામાં આવી છે.

ઉતરાખંડમાં પ્રદેશ પ્રમુખ મહેન્દ્ર ભટ્ટને વધુ એક ટર્મ આપવામાં આવી છે. જયારે આંધપ્રદેશમાં ઓબીસી સમુદાયના પી.વી.એન. માધવને પ્રદેશ પ્રમુખ બનાવતા જ તેની સામે પક્ષના સીનીયર હિન્દુવાદી નેતા એન.રાજા રેડ્ડીએ પક્ષમાં રાજીનામુ આપી દીધુ છે. તો મધ્યપ્રદેશમાં ભાજપે હેમંત ખંડેલવાલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. તેલંગણામાં રામચંદ્ર રાવનો વિરોધ વધતો જાય છે.

આમ બે દિવસમાં જ 9 જેટલા પ્રદેશ પ્રમુખો ભાજપે નીમી દીધા છે. પરંતુ હજુ સુધી ગુજરાતમાં પક્ષ દ્વારા કયારે નવા પ્રમુખ આવે તે અંગે કોઇ સંકેત અપાયા નથી. સુત્રોના જણાવ્યા મુજબ હવે આ સપ્તાહના અંતે અથવા તો આગામી સપ્તાહમાં પ્રદેશ નિરીક્ષક તરીકે અને ચૂંટણી અધિકારીની જવાબદારી બજાવનાર કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવી શકે છે.

તેઓ મેન્ડેટ લઇને જ આવશે અને ફકત એક જ દિવસમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થઇ જાય તેવી ધારણા છે. સુત્રોના જણાવ્યા મુજબ નવા રાષ્ટ્રીય પ્રમુખ માટે હવે ભાજપ ઉત્તરપ્રદેશમાં નિયુકિત કરે છે કે તેના પર નજર છે. 80 બેઠકો ધરાવતું આ રાજય રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વનું છે પરંતુ અહીં જે રીતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો દબદબો છે તે જોતા ભાજપ માટે પ્રદેશ પ્રમુખ પસંદગી એ સૌથી મહત્વનું બની જશે.

સુત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન હાલ વિદેશ પ્રવાસે છે અને તેથી યુપીને હાલ એક બાજુ મુકીને ભાજપ નવા રાષ્ટ્રીય પ્રમુખ ચૂંટી કાઢે તેવી પણ શકયતા નકારાતી નથી. ગુજરાતમાં પણ સી.આર.પાટીલ એકસટેન્શન પર છે.

તેઓ કેન્દ્રીય મંત્રી પણ બન્યા છે જેના કારણે તેમના માટે પ્રદેશની જવાબદારીએ હવે અન્યને સોંપવાની તૈયારી છે. તેઓએ પણ અનેક વખત થોડા દિવસના માટે જ હવે પ્રદેશ પ્રમુખ તરીકેની કામગીરી કરી રહ્યા છે તેવું જણાવ્યું હતું.

કયાં કયાં નવા પ્રદેશ પ્રમુખ નિમાયા
♦ મહારાષ્ટ્ર : રવિન્દ્ર ચૌહાણ (કાર્યકારી પ્રમુખ હતા) ♦ ઉત્તરાખંડ : મહેન્દ્ર ભટ્ટ (બીજી ટર્મ)♦ હિમાચલપ્રદેશ : રાજીવ બિંદલ (વધુ એક ટર્મ)♦ પોંડુચેરી : વી.પી.રામલીંગમ ♦ મિઝોરમ : કે.બેચહુઆ♦ આંધપ્રદેશ : પી.વી.એન.રાવ♦ મધ્યપ્રદેશ : હેમંત ખંડેલવાલ
♦ તેલંગણા : રામચંદ્ર રાવ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!