ભારત રત્ન સ્વ. શ્રી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ ની જન્મ જયંતીના દિને સરકારી પોલીટેક્નીક વલસાડમાં ઓપન લાયબ્રેરી અને ડાયમંડ જ્યુબીલી ગેટનું લોકાર્પણ
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ વલસાડ

ભારત રત્ન સ્વ. શ્રી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ ની જન્મ જયંતીના દિને સરકારી પોલીટેક્નીક વલસાડમાં ઓપન લાયબ્રેરી અને ડાયમંડ જ્યુબીલી ગેટનું લોકાર્પણ
તા. ૧૫ ઓક્ટોબરના વિશ્વ વિદ્યાર્થી દિવસ અને આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસના ઉપક્રમે સરકારી પોલીટેક્નીક વલસાડમાં ઓપન લાયબ્રેરી અને ડાયમંડ જ્યુબીલી ગેટનું લોકાર્પણનો સંસ્થાના આચાર્ય શ્રીમતિ રીંકુ શુક્લાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાઇ ગયો. આ નીમીત્તે કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓના યજમાન પદે સત્યનારાયણ કથા કરવામાં આવેલ.
૧૯૬૫થી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ઉમદા શિક્ષણ અને કારકીર્દી ઘડતર સાથે સક્રીયતાથી કાર્યરત એવી સરકારી પોલીટેક્નીક સંસ્થાના ૬૦ વર્ષના ગૌરવ પ્રસંગે સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૫ને “ ડાયમન્ડ જ્યુબીલી ઇયર” તરીકે ઉજવવા મા આવી રહી છે.
વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કાર અને સામાજીક સમજ સાથે સહભાગિતાના ધોરણે ઉન્નત જીવન માટેની કેળવણી મળે તે હેતુથી સક્રીય એવા સંસ્થાના ડાયમંડ જ્યુબીલીના કન્વીનર ડૉ. અમિત ધનેશ્વરે આ પ્રસંગે ઉદબોધનમાં જણાવેલ કે લ્યુનાર મોટર્સ, વશીયર, વલસાડની ઉદાર સખાવતથી પ્રવેશ ગેટ આકર્શક બનાવવામાં આવેલ છે જેને સંસ્થાના સીક્યુરીટી ગાર્ડ પાસે લોકાર્પણ કરાવેલ છે.
સંસ્થા ખાતે ૨૨૫૦ ચો. ફુટ જગ્યામાં સીવીલ વર્ક અને ફેબ્રીકેશન વર્કથી પ્રજ્ઞા પ્રસાદમ -ઓપન એકેડેમીક લાયબ્રેરી વિકસાવવા માટે દેસાઇ કન્સ્ટ્રક્શન દ્વારા સી.એસ. આર. ફંડ પુરૂ પાડવામાં આવેલ છે. જેમાં સંસ્થાના ૭ અભ્યાસ્ક્રમ માટેના કુલ આઠ ૬- ૬ ( પ્રત્યેક સેમેસ્ટર માટે એક અલાયદું ખાનું) ખાનાવાળા સ્ટીલ રેક માં જુના / ભુતપૂર્વ વિદ્યાર્થીઓના દાન માં મળેલ પુસ્તકો રાખવામાં આવશે જેથી નબળા વર્ગના, સરકારી શિક્ષણ ફી માફી યોજનામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ તેમેને જોઇતા પુસ્તકો ત્યાંથી વિના મુલ્યે અભ્યાસ માટે વિના સંકોચ ગૌરવપૂર્ણ રીતે લાભ લઇ શકે. બેસીને વાંચવા માટેની સુવિધા ઉપરાંત સાયન્ટીફીક કેલક્યુલેટર, ડ્રોઇગ બોર્ડ, ટ્રાન્સપેરેન્ટ રાયટીંગ પેડ, પેન્સીલ, પેન અને અન્ય ઇજનેરી અભ્યાસને જરૂરી સાધન સામગ્રી પણ પરત કરવાની શરતે ઉપયોગમાં લેવા માટે ઉપલબ્ધ રાખવામાં આવશે. સદર સુવિધાના કારણે આર્થીક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને અન્ય સહપાઠી સમકક્ષ અભ્યાસ માટે જરૂરી સંશાધનનો લાભ થશે અને તેમના પરિણામ માં ૫ % જેટ્લો સુધારો થવાનુ અનુમાન છે જેથી તેઓ ફેલ થવાના કારણે તેમનો ચાલુ અભ્યાસ છોડતાં અટકે. શિસ્ત, સમયપાલન,સહયોગ અને પરસ્પર આદરની ભાવનાને સાકાર કરતી સદર લાયબ્રેરીનું લોકાર્પણ સંસ્થાના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ.
હોસ્ટેલ રેક્ટર શ્રી એચ. બી. પટેલ, એન.એસ.એસ. કન્વીનર શ્રી એન. જી. પટેલ, કુ. કે. બી. પટેલ સહિતના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીગણ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત લીધેલ.