મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારીમાં રાજ્યના ૧૩માં અદ્યતન બસ પોર્ટનું લોકાર્પણ
નવસારી,

નવસારી,તા.૨૫: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ₹૯૩.૯૩ કરોડના ૧૨ કામોનું લોકાર્પણ અને
₹૩૮૧.૧૫ કરોડના ૨૬ કામોના ખાતમૂહુર્ત મળી મહાનગરપાલિકા તથા જિલ્લામાં ₹૪૭૫.૦૮ કરોડના ૩૮ કામોનું લોકાર્પણ
અને ખાતમૂહુર્ત કરાયું હતું. ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના વિવિધ વિભાગોના
કુલ રૂા.૪૭૫ કરોડથી વધુના ૩૮ લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કાર્યો નવસારીના સર્વાંગી વિકાસની દિશામાં એક મજબૂત પગલું છે.
ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ઉત્તમ કાર્યા થઇ રહ્યા છે એમ જણાવી આજની હિંદુ તિથી અનુસાર આજનો વિવાહપંચમીના
શુભ દિવસ નવસારી જિલ્લા માટે વિકાસપંચમીનો દિવસ સાબિત થયો છે એમ ઉમેર્યું હતું. ભગવાન રામ અને સીતાના વિવાહ
પંચમીના શુભ અવસરે આજે અયોધ્યામાં વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં શ્રી રામ મંદિર પર ધ્વજારોહણ થયું હોવાનું
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.
નવસારી મહાનગરપાલિકાએ ટૂંકા સમયમાં જ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્તમ પ્રદર્શન કરી ગૌરવ મેળવ્યું છે તેમ
જણાવી રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩–૨૪માં નવનિર્મિત મહાનગરપાલિકાએ દેશમાં ૪૧મું સ્થાન અને ગુજરાતમાં ૧૦મો
ક્રમાંક હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
નવસારી જિલ્લાએ જળ સંચય જન ભાગીદારી” અભિયાન અન્વયે પણ કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય
દ્વારા જાહેર કરાયેલા ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર -૨૦૨૫’માં વેસ્ટર્ન ઝોનમાં નવસારી જિલ્લાએ સાતમું સ્થાન પ્રાપ્ત કરી કેન્દ્રીય
યોજનાઓના અમલીકરણમાં પણ અગ્રસ્થાન મેળવી રાજ્યમાં ગૌરવ વધાર્યું છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વરસાદના
ટીપે ટીપા બચાવવા અને ભવિષ્ય માટે સંગ્રહિત કરવાના ઉમદા અભિયાન ‘કેચ ધ રેઇન’માં પણ નવસારી જિલ્લાએ ખુબ ઉત્તમ
કાર્ય કર્યું છે. જે બદલ તંત્રની પ્રતિબદ્ધતા, કર્મચારીઓનું સમર્પણ અને નવસારીવાસીઓનો સક્રિય સહકારને બિરદાવ્યા હતા.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે પી.પી.પી. મોડેલ પર રાજ્યમાં તૈયાર થતા બસપોર્ટોમાં સંપૂર્ણ આધુનિક
માપદંડો અપનાવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકોને એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસપોર્ટ આપવાનો
આપેલો નવતર વિચાર અને વિઝન અમે રાજ્યના બસમથકોનો કાયાકલ્પ કરીને સાકાર કર્યું છે. અત્યાર સુધી રાજ્યમાં આવા ૧૨
બસપોર્ટનું નિર્માણ પૂર્ણ થયા છે ત્યારે આજે નવસારી જિલ્લાનું બસપોર્ટ ૧૩મુ અધ્યતન સુવિધાયુક્ત બસપોર્ટ છે.
મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આ સુવિધાસભર બસપોર્ટોના નિર્માણથી રાજ્ય પ્રવાસ માટે આરામદાયક,
સુરક્ષિત અને સુગમ બન્યું છે. વેપારીઓ માટે નવી તકો, યુવાનો અને બહેનોને રોજગારી, તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે
સરળ અવરજવર જેવી સુવિધાઓ મેળવી—ગુજરાત આજે એક પ્રગતિશીલ ટ્રાવેલ હબ તરીકે ઊભરી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નવસારી નગરપાલિકા હતી ત્યારે ૧૫૦ કરોડનું બજેટ હતું હાલમાં મહાનગરપાલિકા
બનવાથી રૂા.૮૫૦ કરોડનું બજેટ થયું છે. જેનાથી કામોની ગુણવત્તાની સાથે સુદઢ કામો સાકારિત થશે. છેલ્લા ચાર દિવસમાં
રાજકોટ અને ભુજ જિલ્લાને રૂા.૧૮૪૬ કરોડના વિકાસકામોની ભેટ મળી છે. નવસારી જિલ્લાના રૂા.૪૭૫ મળી કુલ ૨૩૨૦
કરોડના વિકાસ પ્રકલ્પો પ્રજાહિતના વિકાસ કાર્યોની ભેટ મળી રહી છે. રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં નવસારીને આશરે ૩૦૬
કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે. નવસારી નગરનો વિકાસ આગળ વધી રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર શહેરીકરણને તકના સ્વરૂપમાં સ્વીકારીને વર્ષ ૨૦૪૭ સુધીમાં હોલિસ્ટિક
ડેવલપમેન્ટ માટે શહેરો આર્થિક ગતિવિધિના કેન્દ્રો બને એ માટે સુરત રિજિયનનો ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે
એમ જણાવી સુરત જિલ્લો અને આસપાસના નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ એમ કુલ છ જિલ્લાઓને ઝડપભેર
વિકાસની તકો પ્રાપ્ત થશે તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી અને સર્વાંગી વિકાસનો માર્ગ ખૂલશે એમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
હોલીસ્ટિક સીટીના વિકાસને વિચારને મૂર્તિમંત કરતા આજના વિકાસના કામો સર્વગ્રાહી વિકાસની ઝલક દર્શાવે છે
એમ તેમણે જણાવી ઉમેર્યું કે, ભવિષ્યની જરૂરીયાતો પ્રમાણે શહેરોનો વિકાસ કરવાની સરકારની નેમ છે. તે માટે શહેરોને ગ્રોથ
હબ તરીકે વિકસાવવાનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ અંતે વોકલ ફોર લોકલ અભિયાનમા સ્વદેશી ચિજ વસ્તુઓ
અપનાવવા આહ્વાન કર્યું હતું.
નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી કનુભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે, નવસારી
જિલ્લાના વિવિધ વિભાગો વિકાસકાર્યોના પરિણામે નવસારી જિલલાને નવી દિશા અને નવા દ્વાર ખોલશે. તેમણે આજના
દિવસને નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ દિવસ ગણાવ્યો હતો. મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી અને
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લાઓમાં શહેરી વિકાસને લગતા અનેકવિધ કામો પ્રગતિ હેઠળ છે એમ જણાવી
નવસારી જિલ્લાના મહાનગરપાલીકાના આજના કામો તેનુ ઉત્તમ ઉદાહરણ છે એમ ઉમેર્યું હતું.
આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નવસારી
મહાનગરપાલીકા બન્યા પછી તેની તાસીર બદલાઇ છે. જિલ્લામાં દરેક કામોમાં ગુણવત્તાયુક્ત કામો સાથે પરિપુર્ણ થાય છે જેનુ
જિવંત ઉદાહરણ ટાઉન હોલ છે એમ જણાવ્યું હતું. તેમણે આજના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત થયેલા વિકાસના કામો માત્ર
ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પરંતુ નાગરિકોના સર્વાંગી કલ્યાણનું પ્રતિબિંબ છે એમ વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રૂ.૫.૪૧ કરોડના ખર્ચે જેટિંગ–સક્શન
મશીનો, ટિપર્સ, ઇ-વેહિકલ્સ તથા જાહેર પરિવહનની ૧૨ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ અવસરે સ્વાગત પ્રવચન કરતા નવસારી જિલ્લા પ્રશાસનવતી જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ સ્વાગત પ્રવચન
કરીને જિલ્લામાં થઈ રહેલા વિકાસકાર્યોની વિગતો આપી હતી.
આ અવસરે વાહનવ્યવહાર રાજ્યમંત્રીશ્રી પ્રવિણભાઈ માળી, વલસાડના સાંસદશ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા
પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી આર.સી.પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, નવસારી
મહાનગરપાલિકાના કમિશનરશ્રી દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુ.શ્રી પુષ્પલતા, પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ અને
બહોળી સંખ્યામાં નગરજનો સહભાગી થયા હતા.




