નવસારી

ઉનાઈ પંથકમાં વાપી-શામળાજી હાઇવે પર દબાણ હટાવવાની નોટિસો થી રાજકીય ઘમાસાણ;

યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ (વાંસદા) નવસારી

વર્ષો સુધી મંજૂરી આપનાર તંત્ર હવે વેપારીઓ સામે કડક કેમ અતિક્રમણ હતું તો નવા પેટ્રોલ-સીએનજી પંપો, હોટલો અને અન્ય બાંધકામોને મંજૂરી કોણે આપી?” – ધારાસભ્ય અનંત પટેલનો સીધો સવાલ]

વાપી-શામળાજી નેશનલ હાઇવે પર ઉનાઈથી વાંસદા સુધી માર્ગની બંને બાજુ આવેલા દુકાનો, રહેણાંક મકાનો, હોટલો અને અન્ય વ્યાવસાયિક બાંધકામોને અતિક્રમણ ગણાવી એનએચએઆઈ દ્વારા અપાયેલી નોટિસોએ સમગ્ર વિસ્તારમાં ભારે રાજકીય અને સામાજિક ચર્ચા જગાવી છે. વર્ષોથી વેપાર કરીને જીવનનિર્વાહ કરતા વેપારીઓ અને પરિવારોમાં ભય, અનિશ્ચિતતા અને રોષનું વાતાવરણ સર્જાયું છે. ટૂંકા ગાળામાં દસ્તાવેજો રજૂ કરવા અથવા દબાણ દૂર કરવાની ચેતવણીને કારણે અસરગ્રસ્તોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે નોટિસ મુજબ હાઇવેની સેન્ટર લાઇનથી ૫૦ ફૂટ સુધીનો વિસ્તાર અતિક્રમણ હેઠળ આવતો હોવાનું જણાવાયું છે. અસરગ્રસ્તોને ૩૦મી તારીખ સુધી જમીન ખાનગી માલિકીની છે અથવા બિનખેતી (એન.એ.) મંજૂરી ધરાવે છે તે અંગેના પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. સંતોષકારક જવાબ નહીં મળે તો ત્રણ દિવસમાં અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે આ કાર્યવાહી સામે સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલે તંત્રને સીધા સવાલો પૂછ્યા છે. તેમણે જણાવ્યું કે જો આ સમગ્ર વિસ્તાર વર્ષોથી અતિક્રમણ હેઠળ હતો તો છેલ્લા ઘણા વર્ષોમાં હાઇવેની બાજુમાં ઉભા થયેલા નવા પેટ્રોલ પંપો, સીએનજી પંપો, હોટલો, શોરૂમો અને અન્ય મોટા વ્યાવ સાયિક બાંધકામોને મંજૂરી કયા આધારે આપવામાં આવી? જો નિયમોનો ભંગ થયો હતો તો તે સમયે સંબંધિત વિભાગો શું કરી રહ્યા હતા? આજે માત્ર નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકો સામે કાર્યવાહી કરીને શું વર્ષોની વહીવટી બેદરકારી પર પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે? ધારાસભ્યે વધુમાં જણાવ્યું કે આ વિસ્તાર અનુસૂચિત (શેડ્યૂલ-૫) વિસ્તારમાં આવે છે. પેસા એક્ટની જોગવાઈઓ મુજબ ગ્રામજનોના હિતોને અસર કરતી મહત્વપૂર્ણ કાર્યવાહી પહેલાં સંબંધિત ગ્રામસભાની મંજૂરી જરૂરી છે. પરંતુ ગ્રામસભાની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર સીધી નોટિસો આપવી સ્થાનિક સ્વરાજ્યની ભાવના અને કાયદાકીય જોગવાઈઓની અવગણના સમાન હોવાનું તેમણે જણાવ્યું તેમણે ચેતવણી આપી કે જો લોકોના હિતોને અવગણીને એકતરફી કાર્યવાહી કરવામાં આવશે તો સ્થાનિકો સાથે મળી લોકશાહી ઢબે તેનો સખત વિરોધ કરવામાં આવશે. વર્ષો સુધી વિવિધ બાંધકામોને મંજૂરી આપવામાં આવે અને આજે એ જ બાંધકામોને ગેરકાયદેસર ગણાવવામાં આવે તો તેની જવાબદારી માત્ર વેપારીઓ પર નહીં પરંતુ મંજૂરી આપનાર તંત્ર પર પણ નક્કી થવી જોઈએ સ્થાનિક વેપારીઓમાં પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો બાંધકામો ખરેખર નિયમો વિરુદ્ધ હતા તો વર્ષો સુધી વીજ જોડાણ, પાણીની સુવિધા, વ્યવસાય લાયસન્સ, મિલકત સંબંધિત દસ્તાવેજી પ્રક્રિયા અને અન્ય સરકારી મંજૂરીઓ કેવી રીતે આપવામાં આવી? જો તંત્રને અગાઉથી જ હકીકતની જાણ હતી તો સમયસર કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં? વર્ષો પછી અચાનક નોટિસો આપીને વેપારીઓને મુશ્કેલીમાં મૂકવાનો નિર્ણય કેટલો વાજબી છે તે અંગે ચર્ચા ચાલી રહી છે હાલ સમગ્ર મામલે એનએચએઆઈ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી. પરિણામે લોકોમાં અનેક અટકળો અને સવાલો ઉભા થયા છે. હવે વેપારીઓ, સ્થાનિકો અને રાજકીય આગેવાનોની રજૂઆતો બાદ તંત્ર શું નિર્ણય લે છે, ઉઠેલા પ્રશ્નોના જવાબ આપે છે કે નહીં અને કાર્યવાહી કેવી રીતે આગળ વધે છે તેના પર સમગ્ર વિસ્તારની નજર મંડાઈ છે. આગામી દિવસોમાં આ મુદ્દો વધુ રાજકીય તેમજ કાનૂની રંગ પકડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!