ડાંગ

સાવરકર સંબંધિત પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકના નિલંબન સામે ડાંગમાં રાજ્યપાલને આવેદન

રિપોર્ટર: શિવાજી કવર આહવા બ્યુરો

ડાંગ જિલ્લામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા એકમ દ્વારા કેરળના કાસરગોડ જિલ્લામાં સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર સંબંધિત પ્રશ્ન પૂછવાના મામલે શિક્ષક શ્રી ગુરુ પ્રસાદના નિલંબન સામે વિરોધ નોંધાવી માનનીય રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
મહાસંઘ દ્વારા જણાવાયું હતું કે શાળાકીય સોશિયલ સાયન્સ ફ્રીડમ ક્વિઝમાં સાવરકર સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નના નિર્માણ સાથે જોડાયેલા શિક્ષક શ્રી ગુરુ પ્રસાદને નિલંબિત કરવામાં આવ્યા છે. મહાસંઘે આ કાર્યવાહીને શિક્ષક સમુદાય માટે ચિંતાજનક ગણાવી નિલંબન તાત્કાલિક પરત ખેંચવાની માંગ કરી છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનના મહત્વપૂર્ણ ઐતિહાસિક વ્યક્તિત્વ છે. તેમના જીવન, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને અંડમાનની સેલ્યુલર જેલમાં થયેલા કારાવાસનો અભ્યાસ ઇતિહાસના ભાગરૂપે થાય છે. કોઈ ઐતિહાસિક વ્યક્તિ અંગે પ્રશ્ન પૂછવો ગુનો કે શિસ્તભંગ ગણાવી શકાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી હતી.
મહાસંઘે વધુમાં જણાવ્યું કે જો પ્રશ્નમાં કોઈ તથ્યાત્મક કે ભાષાકીય ભૂલ હોય તો તેને સુધારી શકાય છે, પરંતુ તપાસ પૂર્ણ થાય તે પહેલાં શિક્ષક સામે નિલંબન જેવી કડક કાર્યવાહી યોગ્ય નથી. પ્રશ્ન તૈયાર કરવા, તેની ચકાસણી કરવા અને મંજૂરી આપવાની સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં શિક્ષકોની શૈક્ષણિક સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગરિમાની રક્ષા કરવાની પણ માંગ કરવામાં આવી હતી. શિક્ષણક્ષેત્રને રાજકીય કે વૈચારિક દબાણથી મુક્ત રાખીને વિદ્યાર્થીઓને વિવિધ ઐતિહાસિક દૃષ્ટિકોણોનો તથ્ય અને પુરાવાના આધારે અભ્યાસ કરાવવો જોઈએ તેમ જણાવાયું હતું.
અંતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ડાંગ જિલ્લા એકમ દ્વારા રાજ્યપાલને સમગ્ર મામલામાં સંજ્ઞાન લઈ કેરળ સરકાર સમક્ષ શિક્ષક શ્રી ગુરુ પ્રસાદનું નિલંબન તાત્કાલિક પરત ખેંચી તેમને સન્માનપૂર્વક ફરજ પર પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!