
નવી દિલ્હી : યુનેસ્કોની ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ ટીમ (જીઇએમ)ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે વિશ્વભરમાં 27 કરોડથી વધુ બાળકો અને યુવાનો શાળાથી વંચિત છે. આ સંખ્યા અગાઉનાં અંદાજ કરતાં 2.1 કરોડ વધુ છે. ખાસ કરીને યુદ્ધ, ગરીબી કે અન્ય કટોકટી સામે ઝઝૂમી રહેલાં દેશોમાં આ સમસ્યા વિકટ છે.
ડ્રોપઆઉટ અથવા બાળકોની નોંધણી એ ચિંતાનો વિષય છે. યુનેસ્કોએ વિશ્વભરનાં દેશોને શિક્ષણમાં રોકાણ વધારવા, શાળાઓ સુધી પહોંચવાની ખાતરી કરવા અને ડેટા કલેક્શનમાં સુધારો કરવા હાકલ કરી છે.
રિપોર્ટ અનુસાર, બાળકોને શાળાએ પાછા લાવવા માટે વૈશ્વિક સ્તરે સંકલિત પ્રયત્નો અને નીતિગત કાર્યવાહીની જરૂર છે.
શૈક્ષણિક કટોકટી વધી
– દુનિયાભરમાં શાળાથી દુર રહેતાં બાળકોની સંખ્યા વધી રહી છે.
– યુદ્ધ, ગરીબી અને કુદરતી આપત્તિઓ જેવી કટોકટીએ શાળાઓમાં નોંધણી અટકાવી દીધી છે.
વય જૂથ પર અસર
પ્રાથમિક શાળાના બાળકો (11 ટકા), જુનિયર હાઈસ્કુલ (15 ટકા) અને સિનિયર હાઈસ્કુલ (31 ટકા)માં ડ્રોપઆઉટ રેટ સૌથી વધુ છે.
ચોક્કસ માહિતીનો અભાવ
ઘણાં દેશોમાં, બાળકોનાં શિક્ષણની સ્થિતિ પર સચોટ ડેટા ઉપલબ્ધ નથી, જેનાં કારણે નીતિઓ ઘડવી મુશ્કેલ બને છે. યુદ્ધ અથવા અસ્થિરતાવાળા દેશોમાં, બાળકોની શાળાએ ન જવાની સમસ્યા સૌથી ગંભીર હોય છે.
વૈશ્વિક લક્ષ્યાંકો હજુ પણ અધૂરા છે
સંયુક્ત રાષ્ટ્રનાં સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલમાં 2030 સુધીમાં તમામ બાળકો માટે શિક્ષણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, પરંતુ હાલની પરિસ્થિતિ આને મુશ્કેલ બનાવી રહી છે. શિક્ષણનાં સ્તરને સુધારવા માટે વૈશ્વિક પ્રયાસોની જરૂર છે.
ભારતમાં શિક્ષણની સ્થિતિ
યુનેસ્કોના એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (એએસઇઆર) 2023-24 અનુસાર, ભારતમાં 15 લાખ શાળાઓ અને 25 કરોડથી વધુ વિદ્યાર્થીઓ છે. રિપોર્ટ અનુસાર ગ્રામીણ ભારતમાં પ્રી-સ્કૂલ એનરોલમેન્ટમાં વધારો થયો છે, પરંતુ 25 ટકા બાળકો (14-18 વર્ષ) ધોરણ 2નું લખાણ વાંચી શકતાં નથી.
ગ્રામીણ શાળાઓમાં શિક્ષકો, શૌચાલયો અને વીજળીની અછત છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 6થી 14 વર્ષની વયનાં બાળકોને મફત શિક્ષણ મળે છે.
– શાળામાં ન જતા બાળકોની કુલ સંખ્યા 27.2 કરોડ.
– 7.8 કરોડ પ્રાથમિક શાળાની વયનાં બાળકો શિક્ષણથી વંચિત.
– 6.4 કરોડ જુનિયર હાઇ સ્કૂલની વયનાં કિશોરો શાળાએ જતાં નથી.
– 13 કરોડ સિનિયર હાઇ સ્કૂલની વયના યુવાનો જે શિક્ષણથી વંચિત છે.