Uncategorized

પ્રાકૃતિક ખેતીની પ્રેરણાદાયી પદયાત્રા: વડકુઈના દક્ષાબેને પ્રાકૃતિક ખેતીને બનાવ્યું જીવનનું મિશન

તાપી જિલ્લા માહિતી બ્યુરો

મહિલા ખેડૂતનો ઝઝૂમતો સંઘર્ષ અને ઉજ્જવળ સફળતા

પ્રાકૃતિક ખેતીની પ્રેરણાદાયી પદયાત્રા: વડકુઈના દક્ષાબેને પ્રાકૃતિક ખેતીને બનાવ્યું જીવનનું મિશન

દક્ષાબેન માટે પ્રાકૃતિક ખેતી માત્ર રોજગારનો સ્ત્રોત જ નથી પરંતુ પ્રકૃતિના રક્ષણ માટેની દ્રઢતા પણ છે!

તાપી જિલ્લાનું માત્ર ૧,૦૦૦ની વસ્તીવાળું નાનકડું વડકુઈ ગામ. અને અહીં રહે છે પ્રાકૃતિક ખેતીને પોતાનું લાઈફ મિશન બનાવતા દક્ષાબેન પટેલ. ચાલો ડોંકિયું કરીયે એમના જીવન સંઘર્ષની! ચોથું ભણતા ત્યારે પિતાનું અવસાન થતાં ઘરના મોટાં તરીકે તમામ જવાબદારીઓ તેમના ખભે આવી. પોતાના પરિવારની સારસંભાળ અને દેખરેખ કરતા કરતા ધોરણ ૧૨ સુધી ભણ્યા. હાલ, તેઓ પતિ સાથે તેઓ માતાના ઘરમાં રહે છે. તેમના પતિ કાકરાપાર પ્લાન્ટમાં કામે જાય છે, જ્યારે દક્ષાબેન આખા ખેતરની જવાબદારી એકલા સંભાળે છે અને પ્રાકૃતિક ખેતીથી શાકભાજી ઉગાડી વર્ષે 25 થી 30 હજાર કમાય છે અને આખા ઘર પરિવાર માટે સ્વાસ્થ્યપ્રદ શાકભાજીથી આરોગ્ય સંભાળ લે છે.

તેઓના ગામથી થોડે અંતરે આવેલ દક્ષાબેનનું ૧.૫ વિઘાનું ખેતર આજે પ્રાકૃતિક ખેતી માટે એક ઉદાહરણ છે. દક્ષાબેને છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવી છે. હાલ, તેઓએ ખેતરમાં ભીંડાનું વાવેતર કર્યું છે, જે ટૂંકસમયમાં તૈયાર થશે. કેટલાક સમય પૂર્વે તેમણે આત્મા કચેરી દ્વારા ૭ દિવસની તાલીમ મેળવી હતી. જેનાથી પ્રેરાઈને વાછરડી લીધી અને સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.

ભીંડાના પાકની વાત કરતા દક્ષાબેન કહે છે કે ભીંડાના છોડમાં ફૂલ આવ્યા ત્યારે ખાટી છાસનો ઉપયોગ કર્યો હતો. જેનાથી ફૂલ ખરતા અટક્યા હતા અને વૃદ્ધિ થઇ હતી. આ સાથે સાથે છોડને કીટકો અને ઈયળથી બચાવવા માટે લીમડાના પાનનો પણ ઉપયોગ કર્યો હતો. પ્રાકૃતિક ખેતીના ફાયદા વર્ણવતા કહ્યું હતું કે છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવતા આજે અમારી જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે. જમીનના પોષક તત્વો જળવાઈ રહેતા ઓછા ખર્ચે વધુ ઉપજ મળે છે અને પરિણામે ખર્ચ પણ ઓછો થાય છે.

આશ્ચર્યની વાત તો એ છે કે દક્ષાબેનના ખેતરમાં ઉગાડેલી શાકભાજીની માર્કેટમાં બોલબાલા છે. આજુબાજુના શહેરી વિસ્તારોની સાથે સાથે છેક સુરત જેવા મહાનગરોમાંથી પણ વેપારીઓ શાકભાજી લેવા આવે છે. ભદ્ર સમાજના લોકોના સોશિયલ મીડિયામાં ‘દક્ષાબેનની વાડીના તાજા શાકભાજી મળશે’ નો મેસેજ પડતાં જ વેપારીઓ તેમની શાકભાજી લેવા પડાપડી કરે છે.

દક્ષાબેનની પ્રેરક ગાથા એ સાબિત કરે છે કે મહેનત અને પ્રાકૃતિક પદ્ધતિઓથી નાનકડા ક્ષેત્રમાં પણ સિદ્ધિ મેળવી શકાય છે. દક્ષાબેન જેમના માટે ખેતી માત્ર રોજગારનો સ્ત્રોત જ નથી પરંતુ પ્રકૃતિના રક્ષણ માટેની દ્રઢતા છે, જે બધા માટે એક પ્રેરણા છે. તેમનું જીવન દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર પદ્ધતિ નથી, તે જીવનનો દ્રષ્ટિકોણ છે. તો ચાલો, આપણે સૌ દક્ષાબેન જેવા પ્રકૃતિના ખરા પૂજકોને સમર્થન આપીએ અને પ્રાકૃતિક શાકભાજી ખરીદી તેમને પ્રોત્સાહન આપીએ!

૦૦૦૦૦૦૦

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!