
માહિતી બ્યુરો, તાપી તા. ૧૭: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઇને ક્ષતિગ્રસ્ત રોડ અને પુલોની મરામત ત્વરિત ગતિએ ચાલી રહી છે. ત્યારે આજે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવેલા વાલ્મિકી નદી પરના બ્રિજની મુલાકાત લઇ જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગે બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું.
કલેક્ટરશ્રીએ બ્રિજની ટેકનિકલ વિગતો મેળવી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને તમામ પુલો અને રસ્તાઓનું સમયાંતરે ઇન્સ્પેક્શન કરવા સૂચનાઓ આપી હતી. ક્ષતિગ્રસ્ત રોડ અને બ્રીજનું તાત્કાલિક રીપેરિંગ કાર્ય હાથ ધરવામાં આવે અને ટ્રાફિક સલામતીની દૃષ્ટિએ માર્ગદર્શિકાઓ અનુસાર કાર્યવાહી થાય તે મુજબની કામગીરી કરવા સુચના આપી હતી.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે વાલ્મિકી બ્રિજની સ્થિતિ સારી છે અને ટેકનિકલ દ્રષ્ટિએ પણ સુરક્ષિત જણાય છે. તાપી જિલ્લાના અન્ય મેજર અને માઇનર બ્રિજોની પ્રથમ તબક્કાની તપાસ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ અને પંચાયત), નેશનલ હાઈવે અને નગરપાલિકાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં બાકી રહેલી કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને જૂના બ્રિજ પર અવરજવર કરતા ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગે વરસાદના સમયમાં પુલોની સ્થિતિ અને તેમનાં સ્ટ્રક્ચરલ જોખમોને ધ્યાનમાં રાખી જાતે સ્થળ પર જઈને દરેક બાબતની જાતે સમીક્ષા કરી હતી અને તંત્રને લોકોને સુરક્ષિત અને વ્યવસ્થિત પરિવહન સુવિધા મળી રહે તે માટેની તમામ જરૂરી સૂચનાઓ આપી હતી.