ધમડાછા ખાતે ગણદેવી તાલુકા કક્ષાના કલામહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
.નવસારી (પ્રિતેશ પટેલ બ્યુરો ચીફ)

અત્રે ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ, ધમડાછા ખાતે કમિશનરશ્રી યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત ગણદેવી તાલુકા કક્ષાના કલામહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉદઘાટન સમારંભમાં નવસારી જિલ્લાના યુવા વિકાસ અધિકારી શ્રીમતી અંજુબેન પરમાર, રોટરી ક્લબ ગણદેવીના પાસ્ટ પ્રેસિડન્ટ પરિમલ ડી.નાયક અને પ્રેસિડેન્ટ શૈલેષભાઈ વશી, ધમડાછા વિભાગ શિક્ષણ મંડળના પ્રમુખશ્રી અનિલભાઈ આર.વશી, ઉપપ્રમુખ તુષારભાઈ વશી, મંત્રીશ્રી પ્રવીણભાઈ વશી, શિક્ષણ નિરીક્ષક અને વર્ગ ૨ ના અધિકારીશ્રી યોગેશ્વરભાઈ ટંડેલ, ક્યુ.ડી.સી. કન્વીનર કેતનભાઇ કેપ્ટન અને નિર્ણાયકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા યુવા વિકાસ અધિકારી અંજુબેન પરમારએ વિદ્યાર્થીઓમાં અને યુવાનોમાં રહેલી કલાને બહાર લાવવા માટે આવા આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવતા હોવાનું જણાવી મોટી સંખ્યામાં સ્પર્ધકોને ભાગ લેવા માટે અપીલ કરી હતી. પ્રમુખશ્રી અનિલભાઈ આર.વશીએ ધમડાછા હાઇસ્કૂલ ખાતે આ આયોજનને બિરદાવીને પોતાના તરફથી પૂરતા સહકારની ખાતરી આપી હતી. મુખ્ય મહેમાન પરિમલ નાયકે આવી સ્પર્ધાઓમાં રોટરી ક્લબ ઓફ ગણદેવી મદદરૂપ થઇ શકે, તે માટે પોતાની તૈયારી બતાવી હતી. કલા મહાકુંભના કન્વીનર તરીકે આચાર્ય અશ્વિનભાઈ પટેલ અને સહકન્વીનર તરીકે સારિકાબેન નાયકએ પોતાની ભૂમિકા ભજવી હતી. આ કલા મહાકુંભમાં ગણદેવી તાલુકાની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, મહાશાળાઓ વિવિધ કલામંડળો અને ખુલ્લા વિભાગની 14 જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 6 વર્ષથી માંડીને 59 વર્ષ સુધીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કુલ છ જેટલા વિભાગોમાં કલા વિભાગ, સાહિત્ય વિભાગ, નૃત્ય વિભાગ, વાદન વિભાગ, ગાયન વિભાગ અને અભિનય વિભાગમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં 500થી વધારે સ્પર્ધકોએ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તાલુકા કક્ષાએ વિજેતા થનાર પ્રથમ ક્રમના સ્પર્ધકો જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે. સમગ્ર સ્પર્ધાનું આયોજન ધમડાછા વિભાગ શિક્ષણ મંડળના કેમ્પસમાં આવેલી દેસાઈ કે.કે.હાઈસ્કૂલ, એમ.જી.વશી ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ અને એસ.એમ.આર વશી પ્રાથમિક વિભાગના મકાનમાં સુંદર રીતે કરવામાં આવ્યું હતું. સમગ્ર સ્પર્ધાને તમામ શાળા પરિવાર અને વિદ્યાર્થી મિત્રોએ ભારે જહેમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો. તાલુકા બહારના નિષ્ણાત તજજ્ઞોએ નિર્ણાયક તરીકે પોતાની સેવાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમના આયોજનને લઈને ધમડાછા તથા આજુબાજુના ગામોમાં અનેરા ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું હતું
કલા મહાકુંભ સ્પર્ધા
તાલુકા કક્ષાની સ્પર્ધામાં લોક નૃત્યમાં ધનોરી પ્રાથમિક શાળાનો ઘેરીયા નૃત્ય નો પ્રથમ કમ આવેલ છે… હવે પછી ધનોરી પ્રાથમિક શાળા લોક નૃત્યમાં જિલ્લા કક્ષાએ ગણદેવી તાલુકાનું નેતૃત્વ કરશે.ધેરીયા નૃત્ય માં પ્રથમ ક્રમ લાવવા બદલ શાળાના આચાર્ય જયદીપ ધુમાડિયાએ સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ તેમને તૈયાર કરાવનાર શિક્ષક મિત્રોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓને નૃત્ય માટે તૈયાર કરાવનાર કલ્પેશભાઈ,મિતભાઈ, મુકેશભાઈ અર્જુનભાઈ તેમજ સૌ વાલીઓનો ખુબ ખુબ આભાર અને શુભેચ્છા સાથે અભિનંદન..