ડાંગ જિલ્લામાં નિર્મિત 8 હનુમાન મંદિરોનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે લોકાર્પણ
(ડાંગ માહિતી બ્યૂરો આહવા)

તા: ૩૧: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, શ્રીરામનું જીવન સમગ્ર માનવતા માટે એક
આદર્શ છે, તથા હનુમાનજીની વફાદારી, સેવા અને સમર્પણ સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ છે.
એસ.આર.કે. નોલેજ ફાઉન્ડેશન અને શ્રી રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટના ડાંગ જિલ્લામાં 311 હનુમાન મંદિર બનાવવાના સંકલ્પની
શૃંખલામાં નિર્મિત 8 હનુમાન મંદિરોનું ડાંગ જિલ્લાના પિંપરી ગામ ખાતેથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે લોકાર્પણ
કરવામાં આવ્યું હતું.
પૈસાની ત્રણ ગતિ છે – દાન, ભોગ અને વિનાશ. દાન એ પૈસાની સૌથી પવિત્ર ગતિ છે, તેમ કહીને રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે,
ધોળકિયા પરિવારે દાનના ક્ષેત્રમાં તેમની સંપત્તિનો સારો ઉપયોગ કરીને પુણ્યનું ભાથું બાંધ્યું છે.
તેમણે કહ્યું કે, ગોવિંદભાઈ ધોળકિયા અને તેમના પરિવારે માત્ર મંદિર બનાવવાના સંકલ્પની સાથે આદિવાસી વિસ્તારોમાં
આરોગ્ય શિબિરો, શિક્ષણ, જળ સંરક્ષણ અને જન કલ્યાણના ઘણા કાર્યો કરીને આદિવાસી સમાજની સેવા કરી છે.
ઉપસ્થિત દાતાઓ, ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરોને અભિનંદન આપતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આ કાર્ય ફક્ત મંદિર
બનાવવાનું નથી પરંતુ ગ્રામ્ય સમાજમાં એકતા, સંવાદિતા અને સાંસ્કૃતિક ચેતના જાગૃત કરવાની ચળવળ છે.
આ કાર્ય દરેક ગ્રામજનોમાં ભક્તિ, સંસ્કૃતિ અને સામાજિક એકતાનો દીવો પ્રગટાવશે. જ્યારે આપણે આપણા સુખ અને દુ:ખથી
ઉપર ઉઠીને સમાજના કલ્યાણમાં યોગદાન આપીએ છીએ, ત્યારે જ ખરા અર્થમાં રાષ્ટ્રનું ઉત્થાન થાય છે.
આ પ્રસંગે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ, અયોધ્યાના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, મધ્યપ્રદેશ
રાજ્યસભા સાંસદ સુમેરસિંહ સોલંકી, લોકસભા સાંસદ શ્રી ધવલ પટેલે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. નિર્માણકાર્યમાં યોગદાન
આપનાર દાતાઓને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તેથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં રાજ્ય સભા સાંસદ અને એસઆરકે ફાઉન્ડેશનના સ્થાપક શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, નાયબ મુખ્ય દંડક શ્રી
વિજયભાઈ પટેલ, પૂજ્ય પી.પી. સ્વામી, શ્રી મધુસૂદન અગ્રવાલ, રાકેશ દુધાત સહિતના ઉદ્યોગપતિઓ તથા મોટી સંખ્યામાં
ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.