ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિતિન નબીને સંભાળ્યો પદભારઃ યોજાયો ભવ્ય સમારોહ
નવી દિલ્હીઃ યંગ ગુજરાત ડિજીટલ ન્યૂઝ ટીમ

નવિ દિલ્હી તા. ર૦: ભારતીય જનતા પક્ષના પ્રમુખપદની ચૂંટણીમાં બિનહરીફ જાહેર કરાયા પછી નિતિન નબીને વડાપ્રધાન મોદી સહિતના રાષ્ટ્રીય નેતાઓ તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પદભાર સંભાળી લીધો છે. આ પ્રસંગે યોજાયેલા ભવ્ય સમારોહમાં પૂર્વ બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નવનિયુક્ત ભાજપાધ્યક્ષ નિતિન નબીને ઉદ્બોધનો કર્યા હતાં. આ દરમિયાન વડાપ્રધાને કરેલા પ્રવચન દરમિયાન ઘૂસણખોરોના મુદ્દે પણ મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ કર્યો હતો.
એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીમાં આજે ‘નબીન’ યુગનો વિધિવત પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ જેવા દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં, કાર્યકારી અધ્યક્ષ નિતિન નબીને ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળી લીધો છે.
દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલયમાં આયોજિત ભવ્ય સમારોહમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ પણ સાક્ષી બન્યા હતાં. આજે સવારે ૧૧:૩૦ વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંચ પર પહોંચ્યા હતા. તેમણે નવા અધ્યક્ષ નિતિન નબીનને શુભેચ્છા પાઠવી હતી. આ સમારોહમાં પૂર્વ અધ્યક્ષ જે.પી. નડ્ડા, નિતિન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને કેન્દ્રીય મંત્રીઓ એસ. જયશંકર તથા હરદીપસિંહ પુરી સહિતના નેતાઓ હાજર રહ્યા હતાં.
આ સમારંભમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહૃાું કે ભાજપ એક એવી પાર્ટી છે જ્યાં લોકોને લાગશે કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે, ત્રીજી વખત પીએમ બન્યા છે, ૫૦ વર્ષની નાની ઉંમરે મુખ્યમંત્રી બન્યા છે. તેઓ ૨૫ વર્ષથી સરકારના વડા છે. તે બધું તેની જગ્યાએ છે, પરંતુ મારા માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે હું ભાજપનો કાર્યકર છું. તેમણે કહૃાું કે જ્યારે પાર્ટીની બાબતોની વાત આવે છે, માનનીય નિતિન નબીનજી, હું એક કાર્યકર્તા છું, અને તેઓ મારા બોસ છે.
વડાપ્રધાને કહ્યુ કે, પરિવારવાદી રાજકારણે દેશના યુવાનો માટે રાજકારણમાં પ્રવેશના દરવાજા બંધ કરી દીધા છે. તેથી, હું એક લાખ યુવાનોને રાજકારણમાં લાવવા માંગુ છું જેમના પરિવારો પહેલી વાર રાજકારણમાં પ્રવેશ કરશે.
આ દરમિયાન ઘુસણખોરોનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યુ કે, વિશ્વભરના મોટા દેશો પણ ઘુસણખોરોની તપાસ કરી રહૃાા છે, પરંતુ કોઈ તેમની પૂછપરછ કરી રહૃાું નથી. દુનિયામાં કોઈ પણ ઘુસણખોરોને તેમના દેશમાં સ્વીકારતું નથી. ભારત ઘુસણખોરોને દેશ લૂંટવાની મંજૂરી આપી શકે નહીં. તેઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે. તેમને ઓળખવા અને તેમને દેશનિકાલ કરવા જરૂરી છે. તેમનું રક્ષણ કરતા રાજકીય પક્ષોને જનતા સમક્ષ ખુલ્લા પાડવા જ જોઈએ. બીજો મોટો પડકાર શહેરી નક્સલીઓનો છે. તેમનો વ્યાપ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહૃાો છે. આપણે તેમને પણ હટાવવા જ જોઈએ.



