ડાંગ

બોરખેતના જંગલમાં સાગના વૃક્ષનું ગેરકાયદે કટીંગ, ત્રણ ઝડપાયા

શિવાજી કવર આહવા બ્યુરો યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ

સાગી પાટિયા અને રંધા મશીન સહિત કુલ ₹1.30 લાખનો મુદ્દામાલ જપ્ત

રિપોર્ટર: શિવાજી કવર

ડાંગ જિલ્લાના આહવા-પૂર્વ રેન્જના જંગલ વિસ્તારમાં સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ કરતા ત્રણ વ્યક્તિઓને વન વિભાગની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ મામલે ભારતીય વન અધિનિયમ-1927 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક નિરજકુમાર તથા મદદનીશ વન સંરક્ષક જૈનિલ દેસાઈના માર્ગદર્શન હેઠળ આહવા-પૂર્વ રેન્જના કંમ્પા નં.129ના જંગલ વિસ્તારમાં સાગના વૃક્ષનું ગેરકાયદેસર કટીંગ થતું હોવાની બાતમી સ્થાનિક વન સ્ટાફને મળી હતી. બાતમીના આધારે વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં બોરખેત, તા. આહવાના રહેવાસી ભરતભાઈ નાનુભાઈ નિંબારે, તુકારામભાઈ નાનુભાઈ નિંબારે અને નરેન્દ્રભાઈ નાનુભાઈ નિંબારે સાગના વૃક્ષનું કટીંગ કરતા મળી આવ્યા હતા.
વન વિભાગે ત્રણેયને રંગેહાથ ઝડપી તેમની સામે ભારતીય વન અધિનિયમ-1927 હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
આગળની તપાસ દરમિયાન આરોપીઓ પૈકી ભરતભાઈ નાનુભાઈ નિંબારેના રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે સંતાડવામાં આવેલા સાગના પાટિયા તેમજ રંધા મશીન મળી આવ્યા હતા. જેની અંદાજિત બજાર કિંમત ₹45,000 હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત કંમ્પા નં.129ના જંગલ વિસ્તારમાંથી કાપવામાં આવેલા એક સાગના વૃક્ષનો કુલ ઘનફળ 2.365 ઘનમીટર હોવાનું સામે આવ્યું છે, જેની અંદાજિત બજાર કિંમત ₹85,000 ગણવામાં આવી છે. આમ વન વિભાગે સાગી પાટિયા, રંધા મશીન તથા કાપેલા સાગના લાકડા સહિત કુલ અંદાજિત ₹1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સમગ્ર ગુનાની તપાસ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આહવા-પૂર્વ એ.બી. ઠેબા, રા.ફો. આહવા-પૂર્વ સુનિલ ગાવિત, રા.ફો. કલમવિહીર એ.એસ. પવાર, રા.ફો. બોરખલ વી.આર. રાણા, બીટગાર્ડ બોરખેત કે.બી. ચૌધરી, બીટગાર્ડ ગોંડલવિહીર બી.જે. ગાવિત, બીટગાર્ડ પાંડવા એસ.જી. પાડવી તથા રેન્જ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.
જંગલ સંપત્તિના ગેરકાયદે કટીંગ સામે વન વિભાગની કાર્યવાહીથી લાકડાની ગેરકાયદે હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!