૧૪૩ આદિજાતિ ખેડુતોને પાવર સ્પ્રેયર પંપસેટ અને ૧૭૦ આદિજાતિ વિદ્યાર્થીઓને રૂ. ૧૫.૩૮ લાખના રોજગારલક્ષી સાધનોના કીટનું વિતરણ
તાપી

આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત: પ્રભારીમંત્રી શ્રી મુકેશભાઇ પટેલ
તાપી જિલ્લાના પ્રભારીમંત્રીશ્રીના હસ્તે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
૧૪૩ આદિજાતિ ખેડુતોને પાવર સ્પ્રેયર પંપસેટ અને ૧૭૦ આદિજાતિ વિદ્યાર્થીઓને રૂ. ૧૫.૩૮ લાખના રોજગારલક્ષી સાધનોના કીટનું વિતરણ
ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ૩૦ જૂનથી ૧૫ જુલાઈ દરમિયાન યોજાનાર કેમ્પમાં વિવિધ યોજનાઓનો લાભ લેવા નાગરિકોને અનુરોધ
માહિતી બ્યુરો,તાપી, ૨૬ જૂન
ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની ઉજવણીના ભાગરૂપે આજે વ્યારા જિલ્લા પંચાયતના ઓડિટોરિયમ હોલ ખાતે પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી સોનગઢ અને નેશનલ સીડ કોર્પોરેશન, ગાંધીનગર દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અને તાપી જિલ્લાના પ્રભારીમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ૧૪૩ આદિજાતિ ખેડુતોને પાવર સ્પ્રેયર પંપસેટ તથા આઇટીઆઇના ૧૭૦ વિદ્યાર્થીઓને રૂ.૧૫.૩૮ લાખના સાધનોનો લાભ વિતરણ કરાયો હતો.
પ્રભારીમંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિજાતિ બાંધવોના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાનશ્રીએ વનબંધુ કલ્યાણ યોજના બનાવી આદિવાદી નાગરીકોને વિવિધ લાભો આપી મુખ્ય ધારામાં જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.ત્યારે આજે દેશના તમામ આદિજાતિ નાગરિકો સરકારશ્રીની વિવિધ યોજનાનોનો લાભ મેળવી સામાજિક અને આર્થિક રીતે પગભર બની રહ્યા છે.
ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસને વેગવંતો બનાવવા “ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ તાપી જિલ્લાના ૭ તાલુકાઓના ૩૬૯ ગામોના ૫.૨૦ લાખ જેટલા આદિવાસી લોકોને સરકારશ્રીનાં ૧૭ જેટલા વિભાગો મારફતે ૨૫ જેટલી વ્યક્તિલક્ષી યોજનાઓ તથા માળખાગત સુવિધાઓનાં લાભોથી લાભાન્વિત કરવાનો ઉદ્દેશ્ય છે. ત્યારે આગામી ૩૦ જુથી ૧૫ દિવસ સુધી તાપી જિલ્લામાં યોજાનાર ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ યોજાનાર વિવિધ કેમ્પમાં જઈ સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા જિલ્લાના સૌ આદિજાતિ બાંધવોને અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે, નેશનલ સીડ કોર્પોરેશન લિ. ગાંધીનગર દ્વારા તેમના સીએસઆર એક્ટીવીટી હેઠળ તાપી જિલ્લાના ૧૪૩ જેટલા આદિજાતિ ખેડુતોને વિના મૂલ્યે પાવર સ્પ્રેયર પંપસેટ વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં કુલ ૧૪૩ લાભાર્થીઓ પૈકી ૭૧ લાભાર્થીઓ આદિમજુથ, ૧૮ લાભાર્થીઓ વિધવા અને ૨૩ બીપીએલ લાભાર્થીઓ અને ૩૧ એફઆરએ હેઠળ જંગલ જમીન ખેડતા લાભાર્થીઓનો આ પાવર સ્પ્રેયર પંપસેટનો વિનામુલ્યે લાભો વિતરણ કરવામાં આવ્યા હતા.
આ સાથે પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી,સોનગઢ દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ આઈ.ટી.આઈ ના ૧૭૦ આદિજાતિ વિદ્યાર્થીઓને રોજગાર લક્ષી (ટ્રેડવાઈઝ) સાધન સહાય વિતરણ કરવામાં આવી હતી.જેમાં મેકેનિક ડિઝલ એન્જીન, ફિટર,ઈલેક્ટ્રીશીયન, સિવણ મશીન, મેકેનિક મોટર વ્હીકલ, વેલ્ડર, વાયરમેન, વાયરમેન, ફેશન ડીઝાઈન ટેકનોલોજી, બ્યુટી પાર્લર, સોલાર ટેક્નીશીયનના ૧૭૦ લાભાર્થી વિદ્યાર્થીઓને ઓ કુલ ૧૫,૩૮,૬૭૦ રુપિયાની સહાય કીટ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પવાર સ્પ્રેયર પંપ સેટનું ડેમોટ્રેશન બતાવામાં આવ્યું હતું.જેથી કરીને કોઇ લાભાર્થીને તેનો યોગ્ય ઉપયોગ કરી શકે.
આ પ્રંસગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલિમસિંહ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી,જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામાનિવાસ બુગાલીયા, પ્રાયોજના વહીવટદાર શ્રી જ્યંતસિંહ રાઠોડ, નિવાસી અધિકાર કલેક્ટર શ્રી આર. આર. બોરડ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઇ વસાવા સહીત અન્ય પધાધિકારીઓ અધિકારીઓ અને લાભાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિતિ રહ્યા હતા.