માંડવી મુકામે કોંગ્રેસનો ધરણા કાર્યક્રમ નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને લોકશાહીની જીત ગણાવી ઉજવણી
કિરણ ચૌધરી બ્યુરો ચીફ માંડવી સુરત.યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ ટીમ

માંડવી:ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધી સામે રાજકીય કિન્નાખોરી રાખી ઈડી મારફતે ખોટા કેસો કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે, નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારના બદ ઈરાદાઓને નાકામ કરતા ચુકાદા બાદ કોંગ્રેસ પક્ષમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.આ નૈતિક અને લોકશાહી જીતના સન્માનમાં માંડવી શહેરના સુખડી બસ સ્ટેશન સામે કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા અને વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું નેતૃત્વ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ચૌધરીએ કર્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ તથા સમર્થકો હાજર રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ રેલી કાઢી શહેરના મુખ્ય માર્ગો પરથી આગેકૂચ કરી હતી. રેલી પૂર્ણ થયા બાદ કાર્યકર્તાઓ રસ્તા પર બેસી કેન્દ્ર સરકારની બેવડી નીતિઓ, સંસ્થાઓના દુરુપયોગ અને રાજકીય બદલા સામે ઘોષણાબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો.આ પ્રસંગે આનંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, “ભાજપ સરકાર દ્વારા ઈડી, સીબીઆઈ જેવી સ્વાયત્ત સંસ્થાઓનો દુરુપયોગ કરીને વિપક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સાબિત કરી દીધું છે કે સત્ય અને સંવિધાન હંમેશા જીતે છે.”કોંગ્રેસ આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે નેશનલ હેરાલ્ડ કેસ માત્ર એક કાનૂની મુદ્દો નહીં પરંતુ લોકશાહી પર સીધો હુમલો હતો, જેનો ન્યાયતંત્રએ મક્કમ જવાબ આપ્યો છે. આ ચુકાદો દેશભરમાં લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.કાર્યક્રમ અંતે કોંગ્રેસ પક્ષે સ્પષ્ટ કર્યું હતું કે ભાજપ સરકારની દમનકારી અને લોકવિરોધી નીતિઓ સામે આવનારા દિવસોમાં પણ શાંતિપૂર્ણ અને લોકશાહી રીતે સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે.




